Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

કોરાનાને રોકવા રાજય સરકાર ‘એકશન મોડ'માં ૮ મહાનગરોમાં IAS કક્ષાના અધિકારીઓને જવાબદારી

રાજકોટની જવાબદારી સ્‍તુતિ ચારણને

અમદાવાદ, તા.૫: રાજય સરકારે ૮ મનપામાં વકરતી કોરોનાની સ્‍થિતિને લઇને મહત્‍વનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મનપા માટે IAS કક્ષાના ૮ અધિકારીને રાજય સરકારે તાત્‍કાલિક અસરથી જવાબદારી સોંપી છે. કોવિડની તબીબી કામગીરીના નિરીક્ષણ, દેખરેખ, સંગલન અને આનુષાંગિક કામગીરી માટે જવાબદારી સોંપાઈ છે. મૂળ કામગીરી ઉપરાંત . વિવિધ જિલ્લાઓમાં કોવિડ કેર સેન્‍ટરમાં તબીબી કામગીરીનું સુપરવિઝનની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.

કયા અધિકારીને સોંપાઇ જવાબદારી

૧. ડો.મનીષ બંસલ IAS અમદાવાદ જિલ્લાની જવાબદારી

૨. દિનેશ રબારી નાયબ વનસરક્ષકને સુરતની જવાબદારી

૩. ડો.હર્ષિત ગોસાવી IAS વડોદરાની જવાબદારી

૪. અમિત યાદવ IAS ગાંધીનગરની જવાબદારી

૫. સ્‍તુતિ ચારણ IAS રાજકોટની જવાબદારી

૬. આર.આર.ડામોર GAS ભાવનગરની જવાબદારી

૭ આર.ધનપાલ IFS જામનગરની જવાબદારી

૮. ડો.સુનિલકુમાર બેરવાલ IFSના જૂનાગઢની જવાબદારી

૨૪ કલાકમાં કોરોનાના ૨૮૭૫ કેસ સામે ૨૦૨૪ દર્દીઓ થયાં સાજા

રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજયમાં ગત ૨૪ કલાકમાં કોરોનાના ૨૮૭૫ કેસ નોંધાયા છે અને ૨૦૨૪ દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્‍યાર સુધીમાં ૨,૯૮,૭૩૭ દર્દીઓ કોરોના મુક્‍ત થયાં છે. તો આજે ૧૪ લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.  આમ ગુજરાતમાં અત્‍યાર સુધીમાં ૪૫૬૬ લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્‍યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.

સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્‍યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજયના સૌથી વધુ ૬૬૪ કેસ અને ગ્રામ્‍યમાં ૧૨૩ નવા કેસ નોંધાયા છે. જયારે સુરત શહેરમાં ૫૪૫ નવા કેસ, જયારે સુરત ગ્રામ્‍યમાં ૧૭૯ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં ૩૦૯ કેસ, જયારે ગ્રામ્‍યમાં ૫૮ કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં ૨૩૩ કેસ અને ગ્રામ્‍યમાં ૪૩ કેસ નોંધાયા છે.

 

(5:15 pm IST)