Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

રાજ્યના વન પર્યાવરણ મંત્રી ગણપત વસાવાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ :તેમના પત્ની પણ સંક્રમિત

વસાવાએ ડોક્ટરની સલાહથી હાલ પોતે સારવાર હેઠળ હોવાનું અને જેઓ તેમના સંપર્કમાં આવ્યા હોય તેમને કાળજી લેવા જણાવ્યું

બારડોલી : રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની પત્ની પણ સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુરત જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોરોના જેટ ગતિએ વધી રહ્યો છે રોજેરોજ નવા રેકોર્ડ સાથે કોરોના સંક્રમણમાં સતત વધારો નોંધાય રહ્યો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ શરૂ થયેલા આ બીજા વેવમાં રાજ્યના શીર્ષ નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.
રવિવારના રોજ સુરત જિલ્લાની માંગરોળ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્ય કેબિનેટમાં વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના પત્ની પણ સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે.

કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ મંત્રી ગણપતસિંહ વસાવાએ ટ્વીટર પર આ જાણકારી આપી હતી. તેમણે ટ્વીટર પર જણાવ્યું હતું કે કોરોનાના સામાન્ય લક્ષણ જણાતા ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેઓ પોઝીટીવ હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરની સલાહથી હાલ પોતે સારવાર હેઠળ હોવાનું અને જેઓ તેમના સંપર્કમાં આવ્યા હોય તેમને કાળજી લેવા જણાવ્યું હતું.

(10:44 pm IST)