Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

સીરિયલમાં રોલ અપાવવાના બહાને ૩.૫૨ લાખની ઠગાઈ

વડોદરાના સુભાનપુરા વિસ્તારનો બનાવ : માતા-પુત્રીને વિશ્વાસમાં લઈને ગઠિયાઓએ ખેલ કર્યો અને હીરોઈનનું સપનું દેખાડી જુદા જુદા બહાને લાખો પડાવ્યા

વડોદરા, તા.૪ : હીરોઈન બનવાનાં સપના આજકાલ દરેક યુવતીને આવતા હોય છે. પરંતુ યુવતીના મા-બાપ પોતાની છોકરીને હીરોઈન બનાવવા પાછળ લાખો ગુમાવે તેવો કિસ્સો ભાગ્યે જ સામે આવે છે. વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં સલૂનની દુકાન ધરાવતા માતા-પુત્રીને વિશ્વાસમાં લઇ દીકરીને બોલિવુડમાં અને સીરિયલમાં રોલ આપવાના બહાને અલગ-અલગ બહાને ૩.૫૨ લાખ રૂપિયા પડાવીને છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. ગોરવા પોલીસે આ મામલે બે શખસો વિરુદ્ધ છેતરપિંડીની સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. ઉલ્લેખનીય છે કે, બે શખસોએ સીરિયલમાં કામ કરવા માટે બોગસ લેટર પણ આપ્યો હતો. વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતી મહિલા પ્રેમલતાબેન શર્માએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ સુભાનપુરા વિસ્તારમાં સલૂનની દુકાન ધરાવે છે.

           બે વર્ષ અગાઉ તેઓ ૧૨ વર્ષની દીકરી સાથે કામ અર્થે નીકળ્યા હતા, ત્યારે સલૂનમાં કામ કરતી એક મહિલાએ જણાવ્યું હતું કે, તમારી દીકરી ખુબ સુંદર છે, જેથી તમે તેને ફિલ્મોમાં કામ કરાવો તો સારું તેમ જણાવીને તેણે મેકઅપ આર્ટિસ્ટ મહિલાનો સંપર્ક કરાવ્યો હતો. ત્યાર બાદ મહિલાએ ફોન થકી જણાવ્યું હતું કે, આજવા રોડ ખાતે આવેલી લક્ષ્મી ફિલ્મ સિટી ખાતે બાળકો માટે બ્યુટી કોન્ટેસ્ટનો પ્રોગ્રામ છે, જેમાં સિલેક્ટ થશે તો તમારી દીકરી બોલિવુડમાં પણ જશે, જેથી બુકિંગ માટે ઓનલાઇન ૧૫૦૦ ચૂકવણી કરી હતી, ત્યાર બાદ મહિલાએ જણાવ્યું હતું કે, તમારી દીકરીને જે ફિલ્મમાં સાઇન કરી છે, તે ફિલ્મમાં હીરો રણદીપ હુડા છે, જેના બુકિંગ માટે વધુ ૫૦ હજાર રૂપિયા પડાવ્યા હતા, ત્યાર બાદ કશીશ સિરીયલમાં રોલ અપાવવાના બહાને સુબોધકુમાર નામની વ્યક્તિ સાથે પરિચય કરાવ્યો હતો. મુંબઈ જઇને કપડા બનાવવા માટે, સીરિયલ માટે, એક્ટર કાર્ડ માટે, ફોટોશૂટ માટે ૭૭ હજાર રૂપિયાની ચૂકવણી કરી હતી. આમ ફરિયાદીએ ટુકડે-ટુકડે રૂપિયા ૩,૬૭,૫૦૦ ચૂકવ્યા હતા. જે પૈકી ૧૫ હજાર રૂપિયા પરત આપી બાકીના ૩.૫૨ લાખ પરત આપ્યા નહોતા. જેથી મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી. ગોરવા પોલીસે મહિલાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

(9:19 pm IST)