Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

અમદાવાદમાં નાની-નાની બાબતોમાં અવારનવાર ત્રાસ અને પુત્રવધુને પીયરમાં પણ જવા ન દેતી હોવાથી સાસુના ત્રાસથી કંટાળીને શિક્ષિકાનો આપઘાત

અમદાવાદ: સાસુના ત્રાસથી પુત્રવધુઅે આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

નારાયણી ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના 29 વર્ષીય શિક્ષિકા નિકિતા તંવરએ ક્રૃષ્નનગર સ્થિત પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી. નરોડા પોલીસને મૃતકના ઘરેથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી. જો કે મૃતક નિકિતાની માતા લીલા ભાટીએ તેના સાસુ પુષ્પા તંવર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

નરોડા પોલીસના અધિકારીએ જણાવ્યું કે, “અમે નિકિતાની માતાએ નોંધાવેલી ફરિયાદ મામલે તપાસ ચાલુ છે. અમારી એક ટીમ પુષ્પા તંવર પર પણ નજર રાખી રહી છે. મૃતકની માતાએ આપેલી માહિતી પ્રમાણે, નિકિતાએ 9 વર્ષ પહેલા સમીર તંવર સાથે લગ્ન કર્યા હતા. સમીર સિમકાર્ડ પ્રોવાઈડર છે. શરૂઆતમાં બંનેનું લગ્નજીવન સારું ચાલતું હતું. પણ સમીરની માતા પુષ્પા નાની-નાની વાત પર નિકિતાને ટૉંટ મારતી હતી. નિકિતાએ બે વર્ષ બાદ પુત્રી નિયતિને જન્મ આપ્યો, જે આજે 7 વર્ષની છે.”

થોડા સમય પછી નિકિતા અને પુષ્પા વચ્ચે મતભેદ વધવા લાગ્યા. નિકિતાએ આ વિશે તેના પતિ સમીરને પણ વાત કરી હતી. FIRમાં પ્રમાણે નિકિતાની સાસુ પુષ્પા તેને અવાર નવાર નાની-નાની બાબતે ટૉંટ મારતી અને તેને મહારાષ્ટ્ર સ્થિત પિયરમાં જવા પણ નહોતી દેતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, “3 એપ્રિલે રાત્રે કામ પરથી પરત આવ્યા બાદ સમીર, નિકિતા અને નિયતિ સૂઈ ગયા હતા. સમીર સવારે 6 વાગ્યે ઉઠ્યો ત્યારે નિકિત રૂમમાં ન હતી. બીજા રૂમમાં નિકિતાને શોધવા માટે ગયો ત્યારે ત્યાં સાડીથી પંખા વડે લટકી નિકિતાએ આત્મહત્યા કરી હતી. સમીરનો રડવાનો અવાજ સાંભળી પાડોશીઓ દોડી આવ્યા અને ઈમરજંસી સર્વિસમાં ફોન કર્યો જેમણે નિકિતાને મૃત જાહેર કરી.”

(6:03 pm IST)