Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

ભાજપ સરકાર લોકોની અપેક્ષા પૂરી કરવામાં નિષ્‍ફળ, વિધાનસભાની ચૂંટણીમાં ૧પ૦નો ટાર્ગેટ પણ પૂરો ન કરી શક્યું: કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રાજીવ સાતવના ભાજપ સામે આકરા પ્રહારો

અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રાજીવ સાતવ આજે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેમણે ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતાં અને ભાજપ સરકાર લોકોની અપેક્ષા પૂરી કરવામાં નિષ્‍ફળ નિવડ્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો.                                                                          

અશોક ગેહલોતની જગ્યાએ રાજીવ સાતવ હવે ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી બન્યા છે.

રાજીવ સાતવે વાતચીત કરતાં જણાવ્યું છે કે, 'કેન્દ્ર સરકાર મુદ્દા ભટકાવવાનું કામ કરી રહ્યાં છે. જે તેમની પાસેથી અપેક્ષા હતી તે પુરી નથી થઇ રહી. વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને ભાજપનો 150નો ટાર્ગેટ હતો પરંતુ તેમની પાસે 100 સીટો પણ આવી નથી. '

તેમણે ગુજરાતમાં કોંગ્રેસના વિકાસની વાત કરતાં કહ્યું કે, 'પરેશ ધાનાણી અને અમિત ચાવડાની આગેવાનીમાં કોંગ્રેસ સારૂ કામ કરશે. ' બીજેપી પર નિશાનો સાધતા કહ્યું કે, 'બીજેપીની સરકારમાં ખેડૂતો પરેશાન છે. ભાજપે વાયદા કર્યા છે પરંતુ કોઈ પુરા નથી કર્યા.' તેમણે મેઘા પાટકર અને નર્મદા ડેમ પર કેન્દ્ર સરકાર આ મુદ્દાઓને ભટકાવે છે તેમ પણ કહ્યું હતું. રાફેલ ડિલ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે બીજેપી ક્યારેય રાફેલ ડિલ કે નીરવ મોદી પર વાત નથી કરતાં લોકો સાથે અન્ય મુદ્દાઓ પર વાત કર્યા કરે છે.

મહત્વનું છે કે રાજીવ સાતવ વિધાનસભા ચૂંટણીમાં સહપ્રભારી હતા. ત્યારે 2019ની ચૂંટણીને ધ્યાને રાખીને તેમને પ્રભારી બનાવવાનો નિર્ણય લેવાયો હતો. વિધાનસભા ચૂંટણીમાં તેઓ સૌરાષ્ટ્ર ઝોનનાં ઈન્ચાર્જ હતા. રાજીવ સાતવ મહારાષ્ટ્રના હિંગોલીથી કોંગ્રેસનાં સાંસદ છે. ઈલેક્શન સમયે તેમણે અશોક ગેહલોતની ટીમમાં કામ કર્યું હતું, જેમાં તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. જેને પગલે તેમને હાલ મોટી જવાબદારી આપવામાં આવી છે.

(7:10 pm IST)