Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

ચેઇન સ્નેચરોને બેફામ : લાચાર પોલીસ કંઇ પણ કરી શકતી નથી

ગુનાઓના પ્રમાણમાં ઝડપથી વધારો કરાયોઃ કેશવબાગની નજીક શિવરાત્રિનો પ્રસાદ આપવાના બહાને ચેઇન સ્નેચરો સોનાની ચેઇન અને વીંટી તફડાવીને ફરાર

અમદાવાદ,તા. ૫: શહેરમાં દિન-પ્રતિદિન ચેઇન સ્નેચિંગના બનાવ ઉત્તરોત્તર વધતાં પોલીસ ચેઇન સ્નેચરોને પકડવા માટે લાચાર બની છે. શહેરના વિવિધ વિસ્તારમાં ચેઇન સ્નેચરો જાણે બેફામ બન્યા હોય એમ શહેરનાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં વધુ ચાર ચેઇન સ્નેચિંગની ફરિયાદ દાખલ થઇ છે. જેમાં એક કિસ્સામાં તો, ચેઇન સ્નેચરો યુવકને મોદી સાહેબ આવી ગયા એમ કહી તેના ગળામાંથી સોનાની ચેઇન તોડી નાસી છૂટયા હતા. શહેરના ઇસનપુરમાં આવેલ શાહઆલમ-મિલ્લતનગર પાસે રહેતા ઈરફાન મલેકે પણ રામોલ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચર વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. જે મુજબ, ગઇકાલે બપોરના ત્રણ વાગ્યા દરમિયાન વસ્ત્રાલ ચાર રસ્તા પર ઇરફાન અને તેનો મિત્ર નરેન્દ્ર મોદીને જોવા માટે ઊભા હતા તે સમયે બાઇક પર આવેલા બે શખ્સો ઇરફાનને મોદી સાહેબ આવી ગયા તેમ પૂછીને તેના ગળામાંથી ૪૦ હજારની સોનાની ચેઇન ખેંચીને ફરાર થઇ ગયા હતા. આ જ પ્રકારે, વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ વિદ્યાનગર ફ્લેટમાં રહેતા રાવજી ચૌહાણ પણ ચેઇન સ્નેચરોનો ભોગ બન્યા છે. ગઇકાલે રાવજી સાંજે કેશવબાગ જોગણીમાતા મંદિરના બાંકડા પર બેઠા હતા તે દરમિયાન ચાર યુવકો શિવરાત્રિનો પ્રસાદ આપીને રાવજીના ગળામાંથી એક તોલા સોનાની ચેઇન અને વીંટી કાઢી લઈને ફરાર થઇ ગયા હતા. ચાર યુવકો ૩પ હજાર રૂપિયાની કિંમતના દાગીના કાઢીને નાસી ગયા હતા. ચાંદખેડા વિસ્તારમાં આવેલ સિદ્ધેશ્વરી ડુપ્લેક્સમાં રહેતાં હંસાબહેન પરમાર પણ ગઈકાલે વહેલી સવારે તેમની સોસાયટીની બહાર દૂધ લેવા માટે જતાં હતાં ત્યારે બાઇક પર આવેલા બે શખ્સો હંસાબહેનના ગળામાંથી ૧ર ગ્રામની સોનાની ચેઇન તોડીને ફરાર થઇ ગયા હતા. ચેઇન સ્નેચરો રપ હજાર રૂપિયાની કિંમતની ચેઇન તોડીને નાસી ગયા હતા. કાલુપુર વિસ્તારમાં આવેલ નિશાપોળ-ઝવેરીવાડ પાસે રહેતાં જ્યોત્સ્નાબહેન જૈને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ કરી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ જ્યોત્સ્નાબહેન અને તેમનો દીકરો સંદીપ આંબાવાડીથી ઘરે રાત્રે દસ વાગ્યાની આસપાસ સ્કૂટર પર જઇ રહ્યાં હતાં તે સમયે લો ગાર્ડન વિસ્તારમાં બાઈક પર આવેલા અજાણ્યો શખ્સ જ્યોત્સ્નાબહેનના ગળામાં રહેલી અઢી તોલાની સોનાની પ૦ હજાર કિંમતની ચેઇન ખેંચીને ફરાર થઇ ગયો હતા અને ત્યારબાદ જ્યૂપિટરને ધક્કો મારીને નાસી ગયો હતો. સંદીપએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બન્ને જણાં જમીન પર પટકાયાં હતાં. જ્યોત્સ્નાબહેને ચેઇન સ્નેચરને પકડવા માટે બૂમાબૂમ કરી હતી, પરંતુ તે નાસી ગયો હતો. આ બનાવમાં તેમને ઇજા પણ થઇ હતી.

(9:34 pm IST)