Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

બેવડી સિઝનના લીધે હવે લોકો ભારે હેરાન પરેશાન

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૪.૪ ડિગ્રી રહ્યું: આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન અકબંધ

અમદાવાદ, તા. ૫: અમદાવાદ સહિત ગુજરાતભરમાં બેવડી સિઝનના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. શરદી, ગરમી અને ઇન્ફેક્શનના કેસોમાં વધારો થયો છે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૪.૯ ડિગ્રી રહ્યું હતું જ્યારે મહત્તમ તાપમાન ૩૦.૯ ડિગ્રી રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૪.૪ ડિગ્રી રહ્યું હતું. નિચલી સપાટી ઉપર ઉત્તરીય પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. આવતીકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધીને ૧૬ ડિગ્રી થઇ શકે છે.  આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં પરંતુ બેવડી સિઝનના કારણે હાલમાં સાવચેતી રાખવા માટે નિષ્ણાત લોકો દ્વારા કહેવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં પારો ૧૪.૫ ડિગ્રી હોવા છતાં બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થયો હતો. ઓફિસો અને ઘરમાં એસીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા દર્શાવે છે કે આ બેવડી સિઝનમાં તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાંની અસર દેખાઈ છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે જેની અસર દેખાઈ રહી છે. રોગચાળાને કાબૂમાં લેવામાં તંત્રને સફળતા મળી રહી છે. સ્વાઈન ફ્લુના હાહાકાર વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસો પણ સપાટી પર આવ્યા છે. અલબત્ત, તંત્રના પગલાની અસર પણ દેખાઈ રહી છે.  હવામાન વિભાગના કહેવા મુજબ પ્રદેશમાં નીચલી સપાટીએ દક્ષિણ-પૂર્વના પવન ફુંકાઈ રહ્યા છે. હાલમાં જમ્મુ-કાશ્મીર ઉપરાંત હિમાચલ અને અન્ય કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ હતી. જેની અસર પણ આગામી દિવસોમાં જોવા મળી શકે છે. શિવરાત્રિ પૂર્ણ થયા બાદ હવે ગરમીની શરૂઆત થવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં દિનપ્રતિદિન વધારો થશે. આજે ગાંધીનગરમાં પારો ૧૪.૨, વડોદરામાં ૧૪.૨, સુરતમાં ૧૯.૨ અને વલસાડમાં ૧૮.૧ તાપમાન રહ્યું હતું. નલિયામાં લઘુત્તમ તાપમાન ૧૪.૪ ડિગ્રી રહ્યું હતું.

(9:29 pm IST)