Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

આણંદ તાલુકામાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરોએ 1.83 લાખની મતાની તસ્કરી કરી

આણંદ: તાલુકાના ગાના ગામે આવેલી વાસણદાસની ખડકીના એક મકાનને ગઈકાલે મધ્યરાત્રીના સુમારે કેટલાક તસ્કરોએ નિશાન બનાવીને તાળુ તોડી અંદરથી સોના-ચાંદીના દાગીના તેમજ કીમતી વસ્તુઓ મળીને કુલ ૧.૮૩ લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર ન્યુ વિદ્યાનગરમાં આવેલી એડીઆઈટી કોલેજમાં સેવક તરીકે ફરજ બજાવતા મીતુલભાઈ રમેશભાઈ પટેલ ગાના ગામની વાસણદાસની ખડકીમાં રહે છે. ગઈકાલે રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે ઘરને તાળુ મારીને પરિવાર સાથે અમદાવાદ એરપોર્ટ ઉપર ગયા હતા. દરમ્યાન તસ્કરો ત્રાટક્યા હતા અને બંધ મકાનનું તાળુ તોડીને અંદર ઘુસી તિજોરી તોડીને સોના-ચાંદીના દાગીના, ચાંદીના સીક્કા, ૩૩ હજાર રોકડા, લેડીઝ ઘડિયાળ, ૨ મોબાઈલ ફોન વગેરે મળીને કુલ ૧,૮૩,૫૦૦ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. 

(5:14 pm IST)