Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

મહેમદાવાદમાં કચરાપેટી આગળ ફટાકડો ફોડવા જતા યુવક ગંભીર રીતે દાઝતા દોડધામ

મહેમદાવાદ: શહેરના શૌકત મહોલ્લામાં રહેતો ૧૨ વર્ષીય કિશોર કચરાપેટી આગળ પડેલા સુતળી બોમ્બ તેમજ અન્ય ફટાકડાનો પાવડર ભેેગો કરી સળગાવવા જતાં અકસ્માતે દાઝી ગયો હતો. જો કે આ બાબતે હજી સુધી મહેમદાવાદ પોલીસમાં કોઈ નોંધ થઈ નથી. 

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહેમદાવાદ શહેરમાં આવેલ વાવ ફળીયાની બાજુમાં શૌકત મહોલ્લો આવેલો છે. ત્યાં રહેતો ૧૨ વર્ષીય કિશોર અબ્દુલ ગફુર મેમણ તેના ઘર આગળ રમતો હતો. તેની ઘર નજીક કચરાના ઢગલા પાસે સુતળી બોમ્બ તથા નહીં ફોડેલા ફટાકડાનો પાવડર નજરે પડ્યો હતો. તેથી તેણે ભેગુ કરી સળગાવતાં તે મોંઢા તથા હાથ-પગના ભાગે દાઝ્યો હતો. તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. એવી પણ ચર્ચા છે કે લગ્નગાળાની સિઝનમાં જાનૈયાઓ દ્વારા ફટાકડા ફોડાય છે. ઘણી વખત નહીં ફુટેલા ફટાકડા ત્યાં જ પડ્યાં રહે છે. આ કિસ્સામાં પણ કદાચ આવો ફટાકડો પડ્યો હોઈ તે સળગાવવા જતાં કિશોર દાઝી ગયો હોવાની શક્યતા સેવાઈ રહી છે.

(5:12 pm IST)