Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

વડોદરાનો કિસ્સો

સુર્યાસ્ત બાદ મહિલાની ધરપકડ કેમ કરી? હાઇકોર્ટે માની બેદરકારીઃ વળતરનો આદેશ

વડોદરા, તા.૫:- સૂર્યાસ્ત બાદ મેજિસ્ટ્રેટની મંજૂરી વિના મહિલાની ધરપકડ ન થઈ શકે તે કાયદાનો ભંગ કરવા બદલ ગુજરાત હાઈકોર્ટે રાજય સરકારને ૨૫૦૦ રૂપિયા વળતર મહિલાને આપવા માટે આદેશ કર્યો છે. હાઈકોર્ટે કાયદાનો ભંગ કરનારા પોલીસ ઈન્સપેકટર સામે મહિલાને કાયદાકીય ફોજદારી કરવા માટે પણ પૂછ્યું હતું. મહિલાએ ૨૫ લાખના વળતરની માગણી કરી હતી. ઉપરાંત હાઈકોર્ટે વડોદરા પોલીસ ઈન્સ્પેકટર આર.એલ સાંદ્યણીએ સૂર્યાસ્ત બાદ મહિલાની ધરપકડ બદલે સરકારને આદેશ કર્યો છે કે તેમની પાસેથી ૨૫૦૦ રૂપિયા વસૂલ કરવામાં આવે.

વર્ષાબેન પટેલની તેમના પતિ સાથે ૫મી નવેમ્બર ૨૦૧૨માં ઘર પરથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ સાત વર્ષથી કાયદાકીય લડત લડી રહ્યા હતા. તેમની છેતરપિંડી અને સંપત્ત્િ। વિવાદના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં ફરિયાદ હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી.

ધરપકડ બાદ વર્ષાબેને વડોદરા કોર્ટના જજ સમક્ષ જણાવ્યું હતું કે તેમની રાત્રે કરાયેલી ધરપકડ સીઆરપીસીના સેકશન ૪૬(૪) હેઠળ કાયદાની વિરુદ્ઘ છે. આ સેકશન મુજબ સૂર્યાસ્ત બાદ મહિલાની ધરપકડ કરાઈ શકતી નથી. જોકે ખાસ સંજોગોમાં મેજિસ્ટ્રેટની મંજૂરી લીધા બાદ ધરપકડ કરી શકાય છે.

વર્ષ ૨૦૧૨માં મેજિસ્ટેરિયલ કોર્ટે ઈન્સ્પેકટર સાંદ્યાણી ભવિષ્યમાં સેકશન ૪૬(૪)નો ભંગ ન કરવાની વોર્નિંગ આપી હતી. વર્ષા પટેલે બાદમાં સેશન કોર્ટમાં ઈન્સ્પેકટર વિરુદ્ઘ અરજી કરી પરંતુ તે રદ કરાઈ. આ બાદ તેમણે હાઈકોર્ટમાં અરજી કરીને પોલીસ ઈન્સ્પેકટર વિરુદ્ઘ કાર્યવાહી કરી વળતરની માગણી કરી હતી. સરકારે એવી દલીલ રજૂ કરી હતી કે સાંદ્યાણીની ડિપાર્ટમેન્ટે પૂછપરછ કરી પરંતુ કંઈ મળ્યું નહોતું. પરંતુ હાઈકોર્ટે સ્વીકાર્યું કે પોલીસ ઈન્સ્પેકટર તરફથી કાયદાનું પાલન કરવામાં બેદરકારી થઈ છે.

(3:24 pm IST)