Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

કારની ટકકરે ટુ વ્હીલર ઉપર જતા બેના થયેલા કરૂણ મોત

વાઘોડિયાના આમોદર ગામે પાસે અકસ્માત : ભત્રીજીના લગ્નમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા ત્યારે આમોદર ગામ નજીક દુર્ઘટના : ભાઈ-બહેનના મોત

અમદાવાદ, તા.૪ : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આમોદર ગામ પાસે મોડી રાત્રે પૂરપાટઝડપે અને બેદરકારીભરી રીતે પોતાની કાર હંકારી એક કારચાલકે ટુ વ્હીલર પર જઇ રહેલા આધેડ વયના ભાઇ-બહેનને જોરદાર ટક્કર મારતાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. વડોદરામાં રહેતા ભાઇ-બહેન ભત્રીજીના લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. જો કે, ભાઇ-બહેન બંનેના એક સાથે મોત નીપજતા પરિવારનો લગ્નનો પ્રસંગ શોકના માતમમાં ફેરવાઇ ગયો હતો. વાઘોડિયા તાલુકાના આમોદર ગામ પાસે ગઇ મોડી રાત્રે બનેલા અકસ્માત અંગે મૃતકના ભાઇ મહેન્દ્રભાઇ પરમારે જણાવ્યું હતું કે, રવિવારે રાત્રે આમોદર પાસે આવેલી સોસાયટીમાં અમે પરિવારજનો ભત્રીજીના લગ્ન પ્રસંગમાં ગયા હતા. નિઝામપુરા રોડ પર આવેલી ૨૫, અર્ચના સોસાયટીમાં રહેતા મારા ભાઇ દિલીપ પરષોત્તમભાઇ પરમાર (ઉ.વ.૬૦) અને સુભાનપુરામાં આવેલી ગાંધીનગર સોસાયટીમાં રહેતા બહેન ચંદ્રિકાબહેન યોગેશભાઇ મકવાણા (ઉ.વ.૫૦) પણ લગ્નમાં આવ્યા હતા. પરિવારજનોએ લગ્નને મનમૂકીને માણ્યું હતું અને રાત્રે અમે પરિવારજનો પોતાના વ્હીલર્સ વડોદરા આવવા નીકળ્યા હતા. જેમાં મારા ભાઇ દિલીપ અને બહેન ચંદ્રિકા ટુ-વ્હીલર પર વડોદરા આવવા નીકળ્યા હતા. પરંતુ, તેઓ વડોદરા પહોંચે તે પહેલાં આમોદર પાસે અનંતા-આસ્થા સોસાયટી પાસે પાછળથી આવેલી કારે તેઓની ટુ-વ્હીલરને ટક્કર મારતા ભાઇ-બહેન મોપેડ ઉપરથી ફંગોળાઇ ગયા હતા અને ગંભીર ઇજાઓ થવાના કારણે તેઓના સ્થળ પરજ મોત નીપજ્યાં હતા. બનાવને પગલે પરિવારનો લગ્નનો પ્રસંગ શોકના માતમમાં ફેરવાઇ ગયો હતો. બીજીબાજુ, વાઘોડિયા પોલીસને જાણ થતાં તે પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તપાસ કરી હતી પરંતુ કારચાલક અકસ્માત સર્જયા બાદ રાતના અંધારાનો લાભ લઇ ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસે આરોપી કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માતના મળેલા સીસીટીવી ફૂટેજના આધારે આરોપી કારચાલકને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(10:01 pm IST)