Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે પેન્શન યોજનાની શરૂઆત કરાવશે : ઉત્સુકતા

૧૦ કરોડ લોકોને સીધો લાભ મળી શકશે : બજેટમાં જાહેરાત બાદ યોજનાની શરૂઆત અમદાવાદથી

અમદાવાદ, તા. ૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે પહોંચ્યા છે. આવતીકાલે વડાપ્રધાન અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે પેન્શન યોજનાની શરૂઆત કરશે. આ યોજનાની વિધિવત શરૂઆત અદાવાદાં કરવામાં આવનાર છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે વચગાળાનું બજેટ રજૂ કરતા નાણામંત્રી પીયુષ ગોયેલે અસંગઠિત ક્ષેત્રના મજુરો માટે આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ તેમને દર મહિને ૩૦૦૦ રૂપિયા પેન્શન તરીકે આપવામાં આવશે. આ યોજનાને લઇને જાહેરનામુ પહેલાથી જ જારી કરવામાં આવી ચુક્યું છે. જાહેરનામુ જારી કરાયા બાદ ૧૫મી ફેબ્રુઆરીથી આ સ્કીમ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. યોજનાને અંતિમરુપ આપવાની જવાબદારી એલઆઈસીને આપવામાં આવી છે.

યોજના હેઠળ રજિસ્ટ્રેશન માટે એલઆઈસીના મોટા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સ્વઘોષણાના આધાર પર આ યોજનાના લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવશે. પેન્શન મેળવવા માટે સરકારે કેટલીક શરતો લાગૂ કરી છે. આ શરતો મુજબ લાભાર્થીને કેટલાક રૂપિયા દર મહિને પ્રિમિયમ તરીકે જમા કરવા પડશે. યોજનાનો લાભ ૧૮થી ૪૦ વર્ષના વયના કામદારોને મળશે. જો કોઇ લાભાર્થી ૧૮ વર્ષની વયમાં આ સ્કીમમાં હિસ્સો લે છે તો ૫૫ રૂપિયા પ્રિમિયમ તરીકે આપવા પડશે. ૨૯ વર્ષની વયમાં આ સ્કીમનો હિસ્સો બનનારને ૧૦૦ રૂપિયા પ્રિમિયમ તરીકે આપવા પડશે. આ યોજનાનો લાભ અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા ૧૦ કરોડ લોકોને મળશે.

 

 

 

(8:54 pm IST)