Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

રાફેલ રહ્યા હોત તો દુશ્મનના કોઇ જ વિમાનો ન બચ્યા હોત

રાફેલ ડિલને અભરાઈએ ચઢાવનાર કોંગ્રેસ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રહારો : ભારતને ખતમ કરવાના ઇરાદા ધરાવતા ત્રાસવાદીઓને ભારત ખતમ કરીને ઝંપશે : જામનગરમાં હોસ્પિટલ, પીજી હોસ્ટેલ રાષ્ટ્રને સમર્પિત કરી દેવાયા

અમદાવાદ, તા. ૪ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત યાત્રા આજે શરૂ થઇ હતી. ગુજરાતની યાત્રાએ પહોંચ્યા બાદ મોદીના જુદા જુદા કાર્યક્રમો શરૂ થયા હતા. ગુજરાતના જામનગરમાં પહોંચ્યા બાદ મોદીએ જાહેર સભાને સંબોધી હતી જ્યાં મોદીએ કહ્યું હતું કે, જો ભારતીય હવાઈ દળ પાસે આજે રાફેલ વિમાન રહ્યા હોત તો સ્થિતિ કઇ અલગ રહી હોત. રાફેલ રહ્યા હોત તો પાકિસ્તાનના કોઇ વિમાન પણ બચ્યા ન હોત. ગુજરાતના જામનગરમાં આક્રમક મૂડમાં દેખાયેલા મોદીએ કહ્યું હતું કે, રાફેલ સમયસર મળી જાય તેવી વાત તેમણે કહ્યું કરી હતી પરંતુ આ બાબત શક્ય બની ન હતી. દેશ આજે આતંકવાદના ખાત્મા માટે એક મત છે ત્યારે વિરોધીઓ આને લઇને પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. મોદીએ ગુજરાતના જામનગરમાં મેડિકલ કોલેજ કેમ્પસમાં હોસ્પિટલ ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતું. ગુરુગોવિંદસિંહ હોસ્પિટલ દેશને સુપ્રત કરી હતી જેમાં ૭૫૦ બેડની વ્યવસ્થા છે. સાથે સાથે પીજી હોસ્ટેલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ પોતાના સંબોધનમાં હવાઈ હુમલાને લઇને પ્રસ્નો ઉઠાવી રહેલા વિપક્ષ ઉપર પ્રહાર કર્યા હતા. દેશના લોકો ઇચ્છે છે કે, આતંકવાદનો ખાત્મો થાય. સેના કાર્યવાહી કરી રહી છે પરંતુ કેટલાક લોકોની સેનાની કાર્યવાહીને લઇને વિશ્વાસ કરી શકતા નથી. આ લોકો પ્રશ્નો કરી રહ્યા છે. મોદીએ યુપીએ સરકારના ગાળા દરમિયાન રાફેલ ડિલને અભરાઈએ ચઢાવી દેવાના કોંગ્રેસના વલણ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, જો હવાઈ હુમલા દરમિયાન રાફેલ વિમાન રહ્યા હોત તો અમારા કોઇપણ વિમાન તુટી પડ્યા ન હોત અને દુશ્મનના કોઇ વિમાન બચ્યા ન હોત. મોદીએ પાકિસ્તાન ઉપર પણ પ્રહાર કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, ભારતને ખતમ કરવાના ઇરાદા ધરાવતા લોકોને આ દેશ છોડશે નહી. સમગ્ર દેશ આજે આ બાબત ઉપર સહમત છે કે, ત્રાસવાદનો ખાત્મો થવો જોઇએ. અમે અમારા સશસ્ત્ર દળો ઉપર વિશ્વાસ હોવો જોઇએ. અમને ગર્વ કરવાની જરૂર છે. અમને સમજાતુ નથી કે કેટલાક લોકો સેનાને લઇને કેમ પ્રશ્નો ઉઠાવે છે. મોદીએ ચેતવણી આપતા કહ્યું હતું કે, જો ભારતને ખતમ કરવાની ઇચ્છા ધરાવનાર લીડરો બહાર છે તો આ દેશ શાંતિથી બેસશે નહીં. પાકિસ્તાન ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે, આતંકવાદ એક બિમારી છે અને આ બિમારીનો કાયમી ઇલાજ કરવા જઈ રહ્યા છે. વિપક્ષ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, દેશના જવાનોના પરાક્રમ ઉપર તમામ લોકોને ગર્વ છે. હવાઈ હુમલાના ગાળામાં જો અમારા જવાનો પાસે રાફેલ રહ્યા હોત તો પાકિસ્તાનના કોઇ વિમાન બચ્યા ન હોત. અમારો ઉદ્દેશ્ય છે કે, આતંકવાદને ખતમ કરવામાં આવે જ્યારે વિરોધીઓ મોદીને ખતમ કરવામાં લાગેલા છે.

(9:01 pm IST)