Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

દાણીલીમડા પરિણામ : શૈલેષ પરમારને અંતે નોટિસ અપાઈ

આમ આદમીના ઉમેદવારની હાઈકોર્ટમાં અરજીઃ દાણીલીમડા બેઠકના પરિણામને પડકાર ફેંકી ગુજરાતની હાઈકોર્ટમાં અરજી થઈ હતી : કેસની વધુ સુનાવણી ટુંકમાં

અમદાવાદ,તા. ૫: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દાણીલીમડા બેઠકના પરિણામને પડકારતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીમાં આજે હાઇકોર્ટે દાણીલીમડા બેઠકના કોંગ્રેસના વિજયી ઉમેદવાર અને વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના દંડક એવા ધારાસભ્ય શૈલેષ પરમાર સહિતના પક્ષકારોને નોટિસ જારી કરી કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન દાણીલીમડા બેઠક પરથી કોંગ્રેસના શૈલેષ પરમાર ચૂંટાઇ આવ્યા હતા, જયારે ભાજપના પ્રતિસ્પર્ધી ઉમેદવાર  ૅજીતેન્દ્ર ઉમાકાંત વાઘેલા આ બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા. જો કે, દાણીલીમડા બેઠખ પર ઉમેદવારી નોંધાવનાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે.જે.મેવાડાનું ફોર્મ ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવાના નિર્ણયથી નારાજ થઇ તેમણે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને હાઇકોર્ટમાં આ સમગ્ર મામલે ઇલેકશન પિટિશન દાખલ કરી હતી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરફથી એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, ચૂંટણી અધિકારીએ ખોટી રીતે અને બિલકુલ ગેરવાજબી રીતે તેમનું દાણીલીમડા વિધાનસભા બેઠક પર ભરેલું ઉમેદવારી ફોર્મ રદ કર્યું હતું, તેના કારણે તેમને ચૂંટણી લડવાનો અધિકાર પ્રાપ્ત થયો નહી. ચૂંટણી અધિકારી દ્વારા તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવાનો નિર્ણય ગેરકાયદે, અયોગ્ય અને બંધારણીય જોગવાઇઓથી વિરૃધ્ધનો હોઇ રદબાતલ થવાપાત્ર છે. ચૂંટણી અધિકારીએ ગેરકાયદે રીતે તેમનું ફોર્મ રદ કર્યું હોવાથી તેઓ વિધાનસભાની ચૂંટણી લડી શકયા નહી અને આજે પરિણામો વિપરીત આવ્યા છે. આ સંજોગોમાં હાઇકોર્ટે દાણીલીમડા વિધાનસભા બેઠકની સમગ્ર ચૂંટણી ફરીથી યોજવા ચૂંટણી પંચ સહિતના સત્તાવાળાઓને હુકમ કરવો જોઇએ. આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરફથી પોતાની ઇલેકશન પિટિશનમાં  કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ પરમારની જીત સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. અરજદાર તરફથી કરાયેલી દલીલો ધ્યાનમાં લીધા બાદ હાઇકોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર, રાજય ચૂંટણી પંચ સહિતના સંબંધિત પક્ષકારો વિરૃધ્ધ કારણદર્શક નોટિસ જારી કરી હતી અને આગામી મુદત સુધીમાં જરૃરી જવાબ રજૂ કરવા પક્ષકારોને મૌખિક નિર્દેશ કર્યો હતો.

(11:27 pm IST)