Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

પ્રત્યેક તાલુકાઓમાં સરકારી કોલેજ કાર્યરત કરવા પ્રયાસ

ગુજરાત વિધાનસભામાં ચુડાસમાએ માહિતી આપીઃ નવનિર્મિત બિનઆદિવાસી ૧૪ તેમજ ચાર આદિવાસી તાલુકામાં આવી કોલેજ શરૃ કરવાની યોજના : ચુડાસમા

અમદાવાદ,તા.૫: રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન પાટણ અને અમદાવાદ જિલ્લામાં આવેલી વિજ્ઞાન પ્રવાહની સરકારી કોલેજો સંદર્ભના ધારાસભ્ય દ્વારા પુછાયેલા પ્રશ્નો રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રત્યુત્તર પાઠવ્યો હતો. મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્યના પ્રત્યેક તાલુકામાં સરકારી કોલેજ કાર્યરત થાય તે માટે રાજ્ય સરકારે ખાસ ભાર મૂક્યો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, નવનિર્મિત એવા બિન આદિવાસી એવા ૧૪ અને ૪ આદિવાસી મળી આવા ૧૮ તાલુકામાં સરકારી કોલેજો શરૃ કરવા રાજ્ય સરકારે આયોજન કર્યું છે. ત્યારબાદ જે તે તાલુકામાં જરૃરિયાત મુજબની વધારાની કોલેજ શરૃ કરવા રાજ્ય સરકાર વિચારણા કરશે એમ પણ મંત્રીએ જણાવ્યું હતું. મંત્રી ચૂડાસમાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જે તે તાલુકામાં કોલેજોની મંજૂરી મળતા જ જે તે શાળાનું સુવિધાપૂર્ણ મકાન હોય ત્યાં કોલેજ શરૃ કરવામાં આવે છે ત્યાર બાદ જમીન મેળવી કોલેજ માટે મકાન બાંધવાની કામગીરી હાથ ધરાય છે. આમ મંજૂરી મળતા જ કોલેજ શરૃ કરવામાં આવે છે. પાટણની કોલેજ માટે જમીન મળતા જ કોલેજના નવા મકાન સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરાશે. પાટણ જિલ્લામાં તા. ૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ ૧-સરકારી વિજ્ઞાન કોલેજ, ૧-ગ્રાન્ટેડ અને ૧૨ ખાનગી મળી કુલ ૨૬ સરકારી વિજ્ઞાન કોલેજ આવેલી છે. જે પૈકી છેલ્લા બે વર્ષમાં પાટણ જિલ્લામાં ૧ સરકારી અને ૨ ખાનગી મળી કુલ ૩ વિજ્ઞાન કોલેજ અને અમદાવાદ જિલ્લામાં એક સરકારી અને ૬ ખાનગી મળી કુલ ૭ વિજ્ઞાન કોલેજો સ્થાપવામાં આવી હોવાની માહિતી પણ મંત્રીએ આપી હતી. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, બિન સરકારી માધ્યમિક શાળાના કર્મચારીઓ અને સરકારી કોલેજોના પ્રાધ્યાપકોને સાતમા પગાર પંચ અંગે કોઈ નિર્ણય લીધેલ નથી પરંતુ આ અંગે નાણાં વિભાગ અને શિક્ષણ વિભાગ પરામર્શમાં રહી નિર્ણય કરશે. બિન સરકારી માધ્યમિક શાળાઓના કર્મચારી અને બિન સરકારી કોલેજના પ્રાધ્યાપકોને સાતમા પગાર પંચ અંતર્ગત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળમાં ઉત્તર આપતા મંત્રીએ જણાવ્યું છે કે, આ અંગે નિર્ણય લેવામાં આવ્યોનથી તેથી સાતમા પગાર પંચ અંતર્ગત લાભના તફાવત ચુકવવાનો પ્રશ્ન ઉપસ્થિત રહેતો નથી.

(11:26 pm IST)