Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

લિફ્ટ આપવી મોંઘી પડી:પેસેન્જરનો સ્વાંગ રચી ત્રણ શખ્શો હાઇવે પર રિવોલ્વરની અણીએ વૃદ્ધ વેપારીને લૂંટીને કાર લઈને રફુચક્કર

લૂંટ ચલાવ્યા બાદ લૂંટારુઓએ મોઢા પર જેકેટ બાંધી દીધું :ત્રણ કલાક બાદ હાઇ-વે પર મૂકીને નાસી ગયા

અમદાવાદઃઅમદાવાદના સીટીએમ વિસ્તારમાં રહેતા અને ફાર્માસ્યુટિકલ કંપની ધરાવતાં વૃદ્ધ વેપારીને હાઇ-વે પર લિફ્ટ આપવી મોંધી પડી છે સૂમસામ હાઇ-વે પર પેસેન્જરનાં સ્વાંગમાં બેઠેલા ત્રણ શખ્સો વેપારીને રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા વેપારી સાથે લૂંટ ચલાવ્યા બાદ લૂંટારુઓએ તેમનાં મોઢા પર જેકેટ બાંધી દીધું હતું અને ત્રણ કલાક બાદ તેમને હાઇ-વે પર મૂકીને તેઓ ફરાર થઇ ગયાં હતાં.

 

  અંગેની વિગત મુજબ સીટીએમ પાસે આવેલ ગૌરાંગ બંગ્લોઝમાં રહેતા અને ફાર્માસ્યુટિકલ નામની જનરક્ષક એલોપથિક દવાઓનો વેપાર કરતાં શિવપ્રસાદ રામતીર્થસિંહ રાજપૂત તેમનાં પરિવાર સાથે રહે છે. શિવપ્રસાદનાં બે પુત્ર સેન્ટ્રલ સુરક્ષા એજન્સીમાં ફરજ બજાવે છે.સાબરકાંઠા જિલ્લાનાં હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, મોડાસા શિવપ્રસાદ દવાઓનું વેચાણ કરવા માટે તેમની કાર લઇને જાય છે. થોડાંક દિવસ પહેલાં શિવપ્રસાદ ઇડર મેડિકલ સ્ટોર પર ગયા બાદ હિંમતનગર મેડિકલ સ્ટોરનું કામ પતાવીને સાંજનાં વાગ્યાની આસપાસ અમદાવાદ ખાતે તેમનાં ઘરે પરત આવવા માટે તેઓ નીકળ્યાં હતાં.

    શિવપ્રસાદ કાર લઇને હિંમતનગર મોતીપુરા સર્કલ પર તેઓ જ્યારે પહોંચ્યાં ત્યારે ત્રણ યુવકોએ તેમની કાર રોકીને લિફ્ટ માગી હતી યુવકોને અમદાવાદ પાટિયા આવવાનું હોવાથી શિવપ્રસાદે માનવતાનાં ધોરણે તેમને લિફ્ટ આપી હતી.તે સમયે સાબર ડેરીથી થોડેક આગળ શિવપ્રસાદની બાજુમાં બેઠેલા એક યુવકને ઊલટી થાય છે તેમ કહીને તેણે કાર રોકાવી હતી.

યુવક કારની નીચે ઊતરીને ઊલટી કરવાની કોશિશ કરતો હતો, જો કે તેને ઊબકા આવતા હોવાથી તે કારમાં બેસી ગયો હતો.
 
પ્રાંતિજ ટોલ ટેક્સ વટાવીને શિવપ્રસાદ અમદાવાદ આવી રહ્યાં હતાં તે સમયે યુવકે ફરીથી ઊલટી થાય છે તેમ કહીને કાર રોકાવી હતી. યુવક શિવપ્રસાદની સામે ઊલટી કરવાનો ઢોંગ કરતો હતો અને ઊબકા આવે છે તેવું કહીને કારમાં ફરીથી બેસી જતો હતો.પ્રાંતિજથી કાર લઇને તેઓ જ્યારે વલાદ પહોંચ્યાં ત્યારે તે સમયે યુવકે ફરીથી ઊલટી આવે છે તેવું કહીને કાર રોકવાનું કહ્યું હતું.
  
વલાદ પાસે કોઇ હોટલ નહીં હોવાથી શિવપ્રસાદે હાઇ-વે પર કાર ઊભી રાખી હતી અને યુવકને કોગળા કરવા માટે પાણી આપ્યું હતું. સૂમસામ હાઇ-વે અને અંધારપટ હોવાથી યુવકે તેનો રંગ બતાવ્યો હતો અને સીધો શિવપ્રસાદ પાસે જઇને તેમનાં લમણે રિવોલ્વર મૂકી દીધી હતી અને ડ્રાઇવર સીટની બાજુમાં બેસી જવાનું કહ્યું હતું.શિવપ્રસાદ ડ્રાઇવર સીટની બાજુમાં બેસી ગયા હતાં અને યુવક ડ્રાઇવર સીટ પર બેસી ગયો હતો.
   
દરમ્યાનમાં કારની પાછળની સીટ પર બેઠેલા યુવકોએ શિવપ્રસાદનાં હાથ પકડી લીધાં હતાં અને તેમની પાસે રહેલ સોનાની વીંટી, ચેઇન તેમજ વોલેટ અને મોબાઇલની લૂંટ ચલાવી હતી. શિવપ્રસાદને લૂંટી લીધા બાદ યુવકે તેમનાં મોઢાને જેકેટથી બાંધી દીધું હતું.

લગભગ ત્રણેક કલાક સુધી યુવકોએ શિવપ્રસાદનું અપહરણ કરીને કારને અલગ-અલગ જગ્યાએ ફેરવી હતી અને ત્યારબાદ સૂમસામ હાઇ-વે પર તેમને ઉતારીને કાર લઇને જતાં રહ્યાં હતાં. શિવપ્રસાદ ચાલતાં ચાલતાં જતાં હતાં ત્યારે એક ખેતરમાં લાઇટનો બલ્બ ચાલુ જોતાં તે ખેતરમાં ગયાં હતાં. ખેતરમાં ખેડૂત અને તેનો પરિવાર હતો જ્યાં શિવપ્રસાદે તેમની સાથે લૂંટ થઇ હોવાનું કહ્યું હતું.

   શિવપ્રસાદે ખેડૂતનાં મોબાઇલથી તેમનાં પુત્રોને જાણ કરી હતી. યુવકોએ લૂંટ ચલાવીને શિવપ્રસાદને સિદ્ધપુર મૂકીને જતાં રહ્યાં હતાં. શિવપ્રસાદનાં બે પુત્ર છે, જેમાં એક પુત્ર સીઆઇએસએફમાં ફરજ બજાવે છે જ્યારે બીજો પુત્ર કાલુપુર રેલ્વે સ્ટેશન પર આરપીએફમાં ફરજ બજાવે છે. શિવપ્રસાદનાં બંને પુત્રો મોડી રાતે સિદ્ધપુર પહોંચી ગયાં હતાં અને તેમને ઘરે લઇને આવ્યાં હતાં.

    ઘટનાને બીજા દિવસે જ્યારે શિવપ્રસાદ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવા માટે ગયાં ત્યારે અમારી હદમાં બનાવ નથી બન્યો તેમ કહીને તેમને હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ધકેલ્યા હતાં. હિંમતનગર પોલીસ લાંબી રકઝક બાદ અંતે શિવપ્રસાદની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

(11:01 pm IST)