Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

કચ્છના ચકચારી નલીયા દુષ્‍કર્મ પ્રકરણમાં આરોપી પિતા-પુત્રની સીબીઆઇ તપાસની માંગણીઃ મુખ્‍યમંત્રીને પત્ર પાઠવ્યો

અમદાવાદ: કચ્‍છના નલીયાના ચકચારી દુષ્‍કર્મ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે અને જેલમાં રહેલા આરોપી પિતા-પુત્રઅે મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને આ પ્રકરણની સીબીઆઇ તપાસ કરવા માંગણી કરી છે.

જાન્યુઆરી 2017માં કચ્છના નલીયાના ચકચારી બળાત્કાર પ્રકરણમાં કચ્છની પાલારા જેલમાં રહેલા પિતા વિનોદકુમાર વિશનજી ઠક્કર અને તેમના પુત્ર ચેતન વિનોદકુમાર ઠક્કરે તા. 26 ફેબ્રુઆરી 2018ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ચાર પાનાનો લાંબો પત્ર લખી સમગ્ર બનાવની સીબીઆઈ દ્વારા તપાસ થાય તેવી માગણી કરી છે. તેમણે પત્રમાં સીબીઆઈની પાસે તપાસની માગણીના કારણો રજુ કરતા આરોપ મુક્યો છે કે કચ્છમાં પોતાને સામાજીક કાર્યકર તરીકે ઓળખાવતા હેનરી ચાકોએ રૂપિયા એક કરોડની ખંડણીની માગણી કરી હતી. જે આપવાનો અમે ઈન્કાર કરતા અમને ખોટી રીતે આ કેસમાં ફસાવી દેવામાં આવ્યા છે.

વિનોદ ઠક્કર અને ચેતન ઠક્કરે જેલમાંથી લખેલા પત્રમાં જણાવ્યુ છે કે તા. 25 જાન્યુઆરી 2017ના રોજ નલીયામાં ફરિયાદ નોંધાયા બાદ સામાજીક કાર્યકર હેનરી ચાકો અને તેમના સાગરીતો દ્વારા અમારા વેવાઈ જંયતિલાલ ઠક્કર દ્વારા કહેવામાં આવ્યુ હતું કે જો એક કરોડ આપવામાં આવશે તો વિનોદ અને ચેતનને આ કેસમાંથી દુર રાખવામાં આવશે. પરંતુ અમારે આ ઘટના સાથે કોઈ સંબંધ નહીં હોવાને કારણે અમે સામે ચાલી પોલીસ સામે હાજર થઈ ગયા હતા. અમારી ધરપકડ થઈ અને અમે પોલીસ રીમાન્ડ ઉપર હતા ત્યારે પણ એક કરોડની માગણી હેનરીએ અમારા વેવાઈ પાસે કરી હતી.

દરમિયાન અમે તપાસ કરનાર અમલદાર સામે પણ અમારી પાસે ખંડણીની માગણી કરવામાં આવી હોવાની વાત જાહેર કરી હતી પણ તેમણે અમારા નિવેદનની નોંધ કરી નથી. આ આખા પ્રકરણમાં હેનરી સહિત ભોગ બનાનાર યુવતીના માતા-પિતા અને કેટલાક લોકોએ બ્લેક મેઈલીંગ કરવાનો ધંધો બનાવી દીધો હતો. અમે પિતા પુત્રએ ક્યારેય બળાત્કાર કર્યો ન્હોતો છતાં અમને ખંડણી માટે ફસાવી દેવામાં આવ્યા છે. ભોગન બનનાર યુવતીએ પોતાના પોલીસ સામે તેમજ મેજીસ્ટ્રેટ સામે 164ના નિવેદનમાં પણ અમે બળાત્કાર નહીં પણ અડપલા કર્યા હોવાનું જણાવ્યુ છે. આમ છતાં અમારી સામે બળાત્કારની કલમ લગાડી અમને જેલમાં નાખી દેવામાં આવ્યા છે.

જો આ મામલો સીબીઆઈને સોંપવામાં આવે તો સત્ય બહાર આવે, અમારા જેવા નિર્દોષ લોકોને ન્યાય મળશે અને હેનરી ચાકો અને તેમના સાગરીતોને સજા મળશે. વિનોદ ઠક્કર અને ચેતન ઠક્કરે મુખ્યમંત્રીને લખેલા આ પત્રની નકલ ગુજરાત હાઈકોર્ટના મુખ્યન્યાય મુર્તિને પણ પાઠવી છે.

(8:18 pm IST)