Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

વડોદરામાં ધૂળેટીની રાત્રે લાપતા પાટીદાર યુવક ભૌમિક પટેલની લોહીના ડાઘવાળી કાર મળીઃ આઠ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ

વડોદરા: વડોદરામાં ધૂળેટીની રાત્રે પાટીદાર યુવક ભૌમિક પટેલ લાપતા થયા બાદ તેમની કાર લોહીના ડાઘ સાથે મળી આવતા પોલીસની ૮ ટીમોઅે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ શહેરના ભાયલી વાસણા રોડથી ધુળેટીની રાત્રે એક વેપારીનો પુત્ર રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. જે ઇકો સ્પોર્ટસ કાર લઇને નિકળ્યો હતો તે કાર ગત રોજ શહેર નજીક આવેલા અંકોડિયા શેરખી રોડ પર બિનવારસી હાલતમાં મળી આવી હતી. જે અંગે ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી હતી. જોકે તપાસ કરતા ઇકો સ્પોર્ટસ કારમાં લોહીના ડાઘા અને વેપારીના પુત્રના જૂતાં મળી આવ્યાં હતા. પરંતુ પુત્રનો હજી સુધી કોઇ પત્તો લાગ્યો નથી. જેથી પિતાએ રૂપિયાની લેવડ દેવડ હોવાથી અનેક વ્યક્તિઓ ઉપર શંકા પણ વ્યક્ત કરી હોવાનુ જાણવા મળી રહ્યું છે.

ભાયલી ગામમાં રહેતા 24 વર્ષીય ભૌમિક પટેલ જેને ટુંક સમય પહેલા જ આણંદની એક યુવતિ સાથે પ્રેમ લગ્ન કર્યા છે. તેના ગામમાં જ મોબાઇલ રીપેરીંગ અને લે વેંચનુ કામ કરે છે. 24 વર્ષીય ભૌમિક પટેલે પાદરા સ્થિત રિધમ મોબાઇલમાં શાહરૂખ અને બિલાલ નામના યુવકો સાથે ભાગીદારી કરી છે. અગાઉ તે સ્ટુન્ડટ વિઝા પર લંડન ગયો હતો. 4 વર્ષ લંડનમાં અભ્યાસ કર્યા બાદ તે પરત ઇન્ડિયા આવી ગયો હતો. ભૌમિક હોળીના દિવસે તેની પત્નીને વિદ્યાનગર તેના પિયરમાં મૂકી આવ્યો હતો. ધુળેટીએ પોર જઇને બપોરે પરત આવ્યા બાદ સાંજ સુધી પિતાની દુકાને બેઠો હતો. જ્યાંથી ઘરે જવાનુ કહીને સાંજે નિકળી ગયો હતો.

જોકે ત્યારબાદ ભૌમિકના પિતાએ બીજા દિવસે 3 તારીખે તેને ફોન કર્યો હતો. પરંતુ તેને ફોન સતત સ્વિચ ઓફ આવતો હતો. જેથી તેની શોધખોળ શરૂ કરી હતી. એક તબક્કે પરિવારને એવો પણ વિચાર આવ્યો કે પત્નીને લેવા માટે વિદ્યાનગર ગયો હશે. પરંતુ ભૌમિકનો ફોન આવે તે પહેલા જ અશ્વીનભાઇને પોલીસનો ફોની આવી ગયો કે અંકોડીયા શેરખી રોડ પર તમારા પુત્રની ઇકો સ્પોર્ટ કાર બિનવારસી હાલતમાં મળી આવી છે અને તેમા લોહીના ડાઘ છે. જેથી તેઓ તુરંત સ્થળ પર પહોંચ્યા હતા. જોકે પોલીસની પ્રાથમિક તપાસમાં ભૌમિક સાથે કારમાં જ ઝપાઝપી અથવા હુમલો થયો હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેથી જીલ્લા પોલીસની જુદી જુદી 8 ટીમો દ્વારા ભૌમિકની શોધખોળ હાથ ધરવામા આવી છે.

(8:18 pm IST)