Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ડીડોલીના વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો

સુરત: શહેરમાં પ્રતિદિન વિવિધ વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસ વધી રહ્યો છે. ત્રણ દિવસ અગાઉ ડીંડોલીમાં વેપારીના પિતાએ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાયા બાદ આજરોજ વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ડીંડોલીમાં રહેતા ભંગારના વેપારીએ તથા સીટીલાઇટના બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. જ્યારે ડીંડોલીમાં મહિલા ફાયનાન્સર સામે પણ ફરિયાદ નોંધાઇ છે.
ડીંડોલી સ્થિત નિલકંઠ સોસાયટીમાં રહેતા અને ભંગારનો ધંધો કરતા ૩૨ વર્ષીય કમલેશ સુરેશભાઇ સોનીએ આજે બપોરે અઠવાલાઇન્સ રોડ પર પોલીસ કમિશ્નર કચેરીના કેમ્પસમાં દવા પી લીધી હતી. તેમણે પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. જો  કે, પોલીસની નજર તેના પર પડતા તરત સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. કમલેશના પરિવારના સભ્યોએ કહ્યું કે, ફાયનાન્સર શશી વાઘ પાસેથી બે વર્ષ અગાઉ તેમણે ધંધા માટે વ્યાજે રૃ.૧ લાખ લીધા હતા. આ રૃપિયા તેને વ્યાજ સાથે ચૂકવી દીધા હતા. છતાં ઘરે આવીને તેની પાસે ઉઘરાણી કરતા હતા. આ ઉપરાંત શશી વાઘ આહીર સોનાર સમાજ સુરતના હોદ્દા પર હતા.
બીજા બનાવમાં મૂળ રાજસ્થાનના સીકર જીલ્લામાં બજાજ ભવનની પાસેના વતની અને હાલમાં વેસુ સ્થિત વી.આઇ.પી. રોડ પર પામ એવન્યુમાં રહેતા દિનદયાળ કનૈયાલાલ બજાજ (ઉ.વ. ૬૦) કંસ્ટ્રકશન, જમીન-મકાનના કામ સાથે સંકળાયેલા છે. ત્રણ વર્ષ અગાઉ દીનદયાળે ધંધા માટે ફાયનાન્સરો પાસેથી વ્યાજે  રૃપિયા લીધા હતા. વ્યાજે લીધેલા રૃપિયા સહિતની રકમ ફાયનાન્સરોને ચૂકવી દીધી હતી. છતાં વ્યાજખોરો અવારનવાર તેમને ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. તેથી કંટાળી જઇને તા.૨૮-૧૨-૨૦૧૭ના  રોજ સાંજે તે ઝેરી દવા પી જતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

 

(7:03 pm IST)