Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

વડોદરાના રાજમહેલ નજીક સિગ્નલનો ભંગ કરનાર પાસે ટ્રાફિક પોલીસે પૈસા ભરવાનું કહેતા હુમલો

વડોદરા:શહેરના રાજમહેલરોડ પર ટ્રાફિક સિગ્નલ ભંગ કરીને પુરઝડપે પસાર થઈ રહેલા આણંદના કારચાલકને ટ્રાફિક પોલીસના જવાને સમાધાન શુલ્ક પેટે ૪૦૦ રૃપિયા ભરવાનું કહેતા જ કારચાલક તેમજ તેના બે સાગરીતોએ  ટ્રાફિક પોલીસ જવાન પર હુમલો કર્યો હતો.
 ટ્રાફિક શાખાના હે.કો. નટવરભાઈ કાભઈ  ગઈ કાલે રાત્રે રાજમહેલરોડ પર શાંતાદેવી નર્સિંગ હોમ ચાર રસ્તા પર ફરજ પર હતાં તે વખતે એક કારચાલક  ભરત રમેશ પટેલ (લક્ષ્મીહોમ સોસાયટી, કોલેજરોડ, વાસદ)એ ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાં તેની બીએસએનએલ ત્રણ રસ્તા પાસેથી તેની કાર પુરઝડપે રાજમહેલ રોડ તરફ હંકારી હતી.
ટ્રાફિક નિયમનનો ભંગ બદલ નટવરભાઈએ તુરંત તેની કાર અટકાવી હતી ટ્રાફિક નિયમનના ભંગ બદલ ૪૦૦ રૃપિયા સમાધાન શુલ્ક પેટે ભરવાનું કહીને પાવતી ફાડી હતી. આ દરમિયાન ભરતના સાગરીતો વેદાંત પ્રવિણચંદ્ર વ્યાસ (અડાસમગામ મુખી ફળિયુ) અને જીગ્નેશ ભાલચંદ્ર ધોળકિયા (અમરવાટિકા સોસાયટી,વાસદ) કારમાંથી બહાર નીકળ્યા હતા અને તેઓએ પૈસા શેના, અમે પૈસા આપવાના નથી તેમ જણાવી બોલાચાલી કરી હતી.
ભરત અને તેના બંને સાગરીતોએ નટવરભાઈની ફેંટ ખેંચી તેમજ તેમને પકડી રાખી મોંઢા પર મુક્કો માર્યો હતો. આ  બનાવની નટવરભાઈની ફરિયાદના પગલે રાવપુરા પોલીસે ત્રણેય યુવકોની ધરપકડ કરી હતી.

(7:02 pm IST)