Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

પ્રેસના નામે ઝાયલોમાં દારૂની હેરાફેરી કરતા આણંદના બે શખ્સોને 18 લાખના મુદામાલ સાથે ઝડપ્યા

વડોદરા:મહિન્દ્રા કંપનીની ઝાયલો ગાડી પર પ્રેસ લખી તંત્રને ગેરમાર્ગે દોરી દારૃની હેરાફેરી કરતા આણંદ જિલ્લાના બે શખ્સોને આર.આર. સ્ક્વોર્ડે ઝડપી પાડયા હતા અને તેઓની પાસેથી રોકડ, ગાડી, મોબાઇલફોન સહિત રૃા.૬.૧૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
રાજસ્થાનથી બીયરનો મોટો જથ્થો ભરીને  આણંદ પાસીંગની ઝાયલો ગાડી હાલોલ-વડોદરા ટોલરોડ પરથી આણંદ તરફ જવાની છે તેવી બાતમીના આધારે વડોદરા રેન્જના આઇજીના સ્ક્વોર્ડ દ્વારા આજે બપોરે જરોદ પોલીસને સાથે રાખી વોચ ગોઠવવામાં આવી હતી.   હાલોલ-વડોદરા રોડ પર આસોજ પાસે જેટકો કંપનીના જીઇબી ટ્રાન્સમીશન પાસે પોલીસ વોચમાં હતી ત્યારે બાતમી મુજબની ઝાયલો ગાડી આવતા તેને રોકી પોલીસે તપાસ હાથ ધરી હતી.
ઝાયલો ગાડીની આગળ તેમજ પાછળ પ્રેસ લખાણ હતુ અને ગાડીમાં તપાસ કરતા રાજસ્થાન ખાતે ઉત્પાદીત હેવર્ડસ-૫૦૦૦ બ્રાંન્ડની ૯૫૬ નંગ બીયરના ટીન મળ્યા  હતાં. પોલીસે બીયરની ગેરકાયદે હેરાફેરી કરતા આણંદ જિલ્લાના ચીકોદરા ખાતે રહેતા સચીન પરસોત્તમ પટેલ અને પ્રવિણ લાલજી વસાવાની ધરપકડ કરી તેઓની પાસેથી બીયરનો જથ્થો, રૃા.૨૧૪૦૦ રોકડા, ત્રણ મોબાઇલ, ઝાયલો ગાડી સહિત કુલ રૃા.૬.૧૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(7:02 pm IST)