Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ડીસામાં સરકારી ગોડાઉનમાં 1.35 લાખની ચોરી ઝડપાઇ

બનાસકાંઠા:ના ડીસામાં આવેલા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાંથી તેલ તેમજ ચોખાના જથ્થાની ચોરી થવા પામી છે. સરકારી ગોડાઉનમાંથી રૃ. ૧.૩૫ લાખની ચોરીની ડીસા દક્ષિણ પોલીસ તપાસ ચલાવી રહી છે.
 બનાસકાંઠા ડીસામાં રાજ્ય સરકારનુ નાગરિક પુરવઠા નિગમનું ગોડાઉન આવેલ છે. જે ગોડાઉનમાં સરકરાનું તેલ અને ચોખા, ગઉંના જથ્થાનો સંગ્રહ કરવામાં આવે છે ત્યારે ધુળેટીની રજાઓ દરમ્યાન આ ગોડાઉનનું શટર તોડી અજાણ્યા શખ્સો અંદર પ્રવેશ કરી ગોડાઉનમાં પડેલ સરકારી તેલના ૫૭ ડબ્બા તેમજ ચોખાના ૫૦ કિલોના ૪૮ કટ્ટાની ચોરી થયાનું માલુમ પડતા આજે ગોડાઉન મેનેજર દોડી આવી તપાસ કરતા ચોરી થયાનું માલુમ પડતા ડીસા દક્ષિણ પોલીસને જાણ કરી ફરિયાદ નોંધાવી હતી.
આ બાબતે ગોડાઉન મેનેજરે જણાવ્યું હતું કે ધૂળેટીની રજાઓ દરમ્યાન ચોરી થવા પામી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી છે. સરકારી ગોડાઉનમાં થયેલ ચોરીને લઈને પોલીસ પણ ડોગ સ્કવોડની મદદ લઈને આરોપીને ઝડપવાની તજવીજ હાથ ધરી હતી અને ગોડાઉનમાં કામ કરતા તમામ મજૂરોને ભેગા કરી તેમની પણ પૂછપરછ હાથ ધરી હતી. આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે રૃ.૧.૩૫ લાખની ચોરીની ફરિયાદ નોંધી ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી છે.

(7:01 pm IST)