Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ગુજરાતમાં છેલ્લા ૨ વર્ષમાં ૧૮૪ સિંહોના મોતઃ ખુલ્લા કુવા અને રેલ્વે ટ્રેક જવાબદારઃ વિધાનસભામાં મુદ્દો ઉછળ્યો

ગાંધીનગરઃ આજે ગુજરાત વિધાનસભામાં વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ સિંહોના મોત અંગે માહિતી આપતાં કહ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 184 સિંહ, સિંહણ અને સિંહ બાળના મોત થયા છે. જેમાં 152ના કુદરતી રીતે મૃત્યુ થયા છે જ્યારે 32 સિંહ અકુદરતી મૃત્યુ પામ્યા હોવાનો સરકારે સ્વીકાર કર્યો છે. કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના એક પ્રશ્નના ઉત્તરમાં વન મંત્રીએ લેખિત જવાબ આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 184 સિંહ,સિંહણ અને સિંહ બાળના મૃત્યુ થયા છે.

જેમાં 2016માં 104 અને 2017માં 80 સિંહના મોત થયા છે.સૌથી વધુ બે વર્ષમાં 74 સિંહણના, 39 સિંહ બાળ અને 71 સિંહોના મોત થયા છે. છેલ્લા બે વર્ષમાં 152 સિંહ, સિંહણ અને સિંહ બાળના કુદરતી મૃત્યુ થયા છે. જેમાં 2016માં સૌથી વધુ 92 સિંહોના મોત થયા હતા. જ્યારે 2016 અને 2017ના વર્ષમાં કુલ 32 સિંહ, સિંહણ અને સિંહ બાળના અકુદરતી મૃત્યુ થયા છે. જ્યારે 2016માં 12 અને 2017માં 20 સિંહણનો સમાવેશ થાય છે. વર્ષ 2016 અને 2017 મળીને કુલ 32 સિંહ, 57 સિંહણ અને 63 સિંહ બાળના કુદરતી રીતે મૃત્યુ થયા છે. અકુદરતી મોતમાં છેલ્લા બે વર્ષમાં 7 સિંહ, 17 સિંહણ અને 8 સિંહ બાળનો સમાવેશ થાય છે. વિધાનસભામાં વન મંત્રીએ સિંહ,સિંહણ અને સિંહ બાળના અકુદરતી મૃત્યુને અટકાવવા માટે સરકારે કરેલી વ્યવસ્થાનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે ગીર રક્ષિત વિસ્તારમાં નજીક આવેલ રેવન્યુ વિસ્તારમાં ખુલ્લા કુવાઓ અને ફરતે પારાપેટ(નાની દિવાલ) બનાવવામાં આવી છે. અમરેલી જિલ્લામાંથી પસાર થતા રેલવે ટ્રેકના બંને બાજુ ફેન્સીંગ કરેલી છે. આજુબાજુના ગામોમાં વન્ય પ્રાણી મિત્રની નિમણુંક કરવામાં આવી છે.

(6:28 pm IST)