Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

કરોડપતિ ચોર સુરેશ મકવાણા ઝડપાયોઃ અમદાવાદના પોશ વિસ્તારમાં ખાતર પાડતો : ચોરી દરમિયાન મેળવેલ રકમમાંથી પુત્રને લગ્નમાં આઈ ટવેન્ટી કાર ગીફટમાં આપી !!

અમરેલી- લાઠી- સાવરકુંડલામાં ચોરી કરતા ઝડપાયેલ

રાજકોટઃ અમદાવાદ શહેરના પોશ વિસ્તારોમાં ચોરી કરતા એક કરોડપતિ ચોરની ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે જમાલપુર ફુલબજાર પાસેથી કારમાં જઈ રહેલા સુરેશ ઊર્ફે સુખો લઘુભાઈ મકવાણા (૪૩) અને પ્રકાશચંદ્ર ઊકાજી સોની (૪૮)ની ધરપકડ કરી હતી. બન્ને આરોપી મૂળ રાજસ્થાનના સિરોહીના અને વેજલપુરમાં વૃંદાવન ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

આરોપી સુરેશ મકવાણા દિવસે જે તે બંગ્લોઝની રેકી કરીને રાત્રે ઈકો કારમાં આ બંગલે પહોંચી જતો હતો. બાદમાં ડિસમીસ અને લાકડાના દંડા વડે બારીને સળિયો પહોળો કરીને બિલાડીની જેમ હળવેકથી ઘરમાં ઘસુ જતો હતો. ઘરની તિજોરીમાંથી તે ફકત સોનાના દાગીના અને રોકડ રકમની જ ચોરી કરતો હતો. ચાંદીના દાગીનાને તે હાથ પણ લગાવતો ન હતો.

ચોરી કર્યા બાદ તે દાગીના આરોપી પ્રકાશચંદ્રને આપી દેતો હતો. પ્રકાશ આ દાગીનાને પોતાની દુકાનમાં ઓગાળીને તેની રણી બનાવીને પરત સુરેશને આપી દેતો હતો.

આરોપીએ પાસેથી પોલીસે રૂ. ૯,૦૬,૪૦૦ના સોનાના દાગીના અને ડાયમંડ મળીને રૂ.૧૨,૬૬,૪૦૦નો મુદ્દામાલ ઊપરાંત ૩,૬૫૦૨૫ અમેરિકન ડોલર કબજે કરવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ આરોપી સુરેશ ફકત બંગલાઓમાં જ ચોરી કરતો હતો. તેણે તેના પુત્રને લગ્નમાં આઈટ્વેન્ટી કારની ગિફટ પણ આપી હતી. ૧૨ વર્ષથી ચોરી કરતો સુરેશ અગાઉ અમરેલી, લાઠી અને સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે ચોરીના કેસમાં ઝડપાયો હતો. ૨૦૧૦માં વસ્ત્રાપુર અને ૨૦૧૬માં ઘાટલોડીયામાં ઘરફોડીના ગુનામાં પકડાયો હતો. તેની સામે સોલામાં ત્રણ, વસ્ત્રાપુરમાં બે અને આનંદનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે.

(4:44 pm IST)