Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

દુનિયાભરમાં ભારત માતાનો જય જય કારઃ હિન્દુ વિચારનો પ્રભાવ વિશ્વમાં દેખાવા લાગ્યો છેઃ મહેશભાઇ જીવાણી

નવા ગણવેશમાં સંઘ સ્વયંસેવકોનું પ્રથમ પથ સંચાલન

 અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) નો નવો ગણવેશ લાગુ થયા બાદ અમદાવાદમાં પ્રથમવાર પંથ સંચાલન વિરાટ નગરમાં યોજાયું હતુ. વર્ષ ૨૦૦૫ પછી આ વર્ષે અમદાવાદમાં પંથ સંચાલનનું આયોજન કરાયું હતું જેમા ૫૩૩૬ સ્વયંસેવકોએ કદમ તાલ કર્યા હતા. અનેક જગ્યાએ સ્થાનિકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું

આરએસએસના સહ પ્રાંત પ્રચારક મહેશભાઇ જીવાણીએ વિરાટનગર સ્થિત  ઓએનજીસી મેદાન ઉપર  સ્વયંસેવકો તથા નગરજનોને સંબોધીત  કર્યા હતા. તેમણે જણાવેલ કે, વર્તમાન સમયમાં વિશ્વભરમાં ભારત માતાનો જય જય કાર થઇ રહયો છે, ભારતીય વિચાર એટલે કે હિન્દુ વિચારનો પ્રભાવ વિશ્વમાં દેખાવા લાગ્યો છે. આવા સમયે સર્તક રહીને પોતાના ધ્યેય તરફ આગળ વધવાની જરુર છે તેમણે વધુમાં જણાવેલ કે આરએસએસના કાર્યમાં ગણવેશ પહેરવાથી સમાનતાનો ભાવ ઉત્પન્ન થાય છે. પણ સ્વયંસેવકો પાસેથી અપેક્ષા છે કે  સીવીલ ડ્રેસમાં પણ પોતાની ભુમિકા સ્વયંસેવકોની રહે

 સમાજ જીવનમાં આરએસએસથી જે અપેક્ષા છે તે અમે પુરી કરી રહયા છીએ કે નહિ તેના પર ચિંતન તથા એ તરફના પ્રયાસ સતત ચાલતા રહેવા જોઇએ. વર્તમાનમાં સજજન શકિતઓના સહયોગની જરુરીયાત છે તેમણે જણાવેલ કે જયારે- જયારે સજજન શકિતનો ઉદય થાય ત્યારે - ત્યારે તેનો વિરોધ કરનાર શકિતઓ પણ સક્રિય થાય છે. આવા સમયે પોતાના વિચારો ઉપર ,પોતાની શકિત ઉપર પોતાના મિત્રો ઉપર, વિશ્વાસ રાખીને કાર્ય કરવાની જરૂરીયાત છે.   આ પંથ સંચાલનમાં મહાનગર સંધચાલક મહેશ પરીખ, ગુજરાત પ્રાંતના સહ કાર્યવાહક શૈલેષ પટેલ, કાર્યવાહક તેજસ પટેલ ઉપરાંત મોટી સંખ્યામાં નાગરીકો તથા સામાજીક કાર્યકર્તાઓ હાજર રહયા  હતા. આ તકે પથ સંચાલનને ત્રણ ભાગમાં વહેચવામાં આવેલ જેમા પથ ક્રમાંક ૧માં પાલડી- નારણપુરા, સાબરમતી તથા નરોડા ભાગ-૧ના વિરાટનગર સ્થિત ઓએનજીસી મેદાનમાં યમુનાનગર મ્યુનિસીપલ અર્બન હેલ્થ સેન્ટર, બજરંગ સોસાયટી, આનંદ ફલેટ, બાપુનગર પોલીસ સ્ટેશન, આંબેડકર ચોક, ગાયત્રી મંદીર, બાપુનગર ચાર રસ્તા થઇને ખોડીયાર નગર ચાર રસ્તા પહોંચ્યા હતા.

 જયારે  પંથ ક્રમાંક-૨માં મણીનગર, અમરાઇવાડી તથા બાપુનગર ભાગના સ્વયંસેવકો માર્ગ ક્રમાંક-૨ ઉપર વિરાટ નગર સ્થિત ઓએનજીસી મેદાનથી લંગડીયા હનુમાન મંદીર, અંબીકાનગર, ગણેશ ચોક, વિરાટ નગર કેનાલ, જગદિશ પાર્ક, ગાયત્રી  સર્કલ, વિદ્યાનિકેતન થઇને ખોડીયાર નગર ચાર રસ્તા પહોંચેલ. ત્યાં બન્ને પથ સંચાલનોમાં શણગારેલી બે જીપો ઉપર ભારત માતાનું ચિત્ર તથા સંઘના સંસ્થાપક અને પહેલા સરસંઘચાલક ડો. હેડગેવારજી અને બીજા સરસંઘચાલક ગોલવાલકરજીના ફોટા લગાવવામાં આવ્યા હતા.

 પથક ક્રમાંક-૩ કે જે વુધ્ધો અને મોડા આવનાર સ્વયં સેવકો માટે હતુ તેમા ૨ કિમીનું અંતર કુલ સંચાલનમાં વિરાટ નગર સ્થિત ઓએનજીસી મેદાનમાં વિરાટનગર કેનાલ થઇને ફરી ઓએનજીસી મેદાન પહોંચ્યા હતા.

ચાર-ચાર સ્વયંસેવકોની લાઇનમાં ત્રણેય માર્ગોના પથ સંચાલનમાં પૂર્ણ ગણવેશમાં કાળી ટોપી, આખી બાયનો સફેદ શર્ટ, મોટા બક્કલવાળો કેનવાસ બેલ્ટ, પેન્ટ, મોજા તથા વાધરીવાળા બુટ સાથે હાથમાં દંડ (લાકડી) લઈને સ્વયંસેવકો અને ઘોષ દળના સ્વયંસેવકો પણ સામેલ થયેલ. સંચાલનના માર્ગ ઉપર કુલ સાત જગ્યાએ સ્વાગતની વ્યવસ્થા કરાઇ હતી.

સામાજીક સદ્દભાવ માટે કાર્યરત રહેનાર લોકો સિવાય આરએસએસના પ્રાંત સ્તરના પદાધિકારી પણ આ સ્થળોએ હાજર રહ્યા હતા.

(4:25 pm IST)