Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

રવિવારે રાજયભરની પોલીસ એક સાથે દારૂ પકડવા માટે 'દોડી' તેનું આ છે રહસ્ય

સોનાની ખરીદી જેવું શરાબ ખરીદીનું કોઇ ખાસ મુહુર્ત નહોતુ, પણ કંઇક અલગ જ વાત હતીઃ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દારૂની રેઇડ સમયે થયેલી રનીંગ રેઇડના પગલે પીઆઇ અને પીએસઆઇ કક્ષાના અધિકારીઓ સામે સસ્પેન્સન, બદલી સહિતનો પ્રશ્ન વિવાદી બનતા હવે નવા ડીજીપી દ્વારા સમગ્ર મામલે રિવ્યુ કરવા ગાંધીનગરમાં ભારે ધમધમાટ

રાજકોટ, તા., ૫: ગઇકાલે રવિવારે વ્હેલી સવારથી જ ગુજરાતભરનું પોલીસ તંત્ર રવિવારના રિલેકસ મુડના બદલે બીજા અન્ય કામો છોડી દારૂના અડ્ડાઓ ઉપર દારૂ પકડવા માટે કવાયતમાં જોડાયું તેનું ઘણાને આશ્ચર્ય થાય છે. ઘણા લોકો તો મજાકમાં એવું પુછવા લાગ્યા છે કે જેમ સોના ખરીદી માટે પુષ્ય નક્ષત્ર જેવું ખાસ મુહુર્ત હોય છે તેેવુ શરાબ પકડવા માટે તો રવિવારે કોઇ ખાસ મુહુર્ત નહોતું ને?

જો આવુ ન હતું તો આખા ગુજરાતની પોલીસને એક જ દિવસે દારૂ પકડવાનું સુરાતન સાથે કેમ ચડયુ? આ રહસ્ય પણ જાણવા જેવું છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતા ગલીએ-ગલીએ છુટથી દારૂ મળે છે એવા આરોપોમાં હવે કંઇ નવુ રહયું નથી. આજ સુધી વિપક્ષો આવા આક્ષેપ સરાજાહેર કરતા પણ હવે વિવિધ સામાજીક સંગઠનો પણ આવા આક્ષેપમાં જોડાયા છે. આવુ માનવાને કારણ પણ છે. તાજેતરમાં જ કરોડો રૂપીયાનો દારૂ પકડાયાની વાત ખુદ ધારાસભામાં કબુલવામાં આવી છે.

ફરી મુળ વાત પર આવીએ તો નવ નિયુકત ડીજીપી શિવાનંદ ઝાએ આ દિશામાં પોલીસને સક્રિય કરવા માટે પોલીસને અત્યારથી જ તૈયાર કરવાનું શરૂ કર્યુ હોય તેમ તેઓએ આખા ગુજરાતમાં એક સાથે દારૂ પકડવા માટેના આદેશો આપ્યા હતા.

પોલીસ વડાનો આદેશ તો મળ્યો હવે પ્રશ્ન એ આવ્યો કે કયા વિસ્તારમાંથી દારૂ પકડવો? વિવિધ વિસ્તારો આવરવા કે પછી ચોક્કસ વિસ્તારમાંથી આવો દારૂ પકડવો?  કારણ કે આવુ ધ્યાન ન રખાય તો અને દારૂની રકમ વધી જાય તો જે તે વિસ્તારના પીઆઇ અને અન્ય જવાબદારોને ઘેર બેસાડવા પડે તેની મુંજવણ હતી.

પોલીસ તંત્રની આ વાત પણ એટલી જ સાચી છે કે ભુતકાળમાં સ્ટેટ મોનીટરીંગ સેલે ચોક્કસ વિસ્તારમાં ગાડી રોકી દારૂ પકડતા જે વિસ્તારમાંથી રનીંગ દારૂની રેઇડ થઇ તેઓને મોટે પાયે સહન કરવાનો વારો આવ્યો. અગાઉના ડીજીપીએ તો આવા જવાબદારોને સસ્પેન્ડ કરવા સાથે બદલી પણ નાખ્યા. હવે એ બધા કેસો પણ રિવ્યુ કરવાની કવાયત ચાલી રહી છે. (૪.૬)

(1:10 pm IST)