Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

ગુજરાતમાં ટૂંક સમયમાં IASની બદલીઓનો ગંજીપો ચીપાશે

IASની તીવ્ર તંગીઃ ૨૯૭ મંજૂર જગ્યામાંથી હાલ ૫૭ ખાલી છેઃગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.એસ.ડાગુર જુલાઇ-૨૦૧૮માં : વય-નિવૃત્ત થશેઃ અનીલ મુકીમ, બી.બી.સ્વૈન ભારત સરકારની સેવામાં જશે

નવી દિલ્હી તા. ૫ : ગુજરાતમાં IAS ઓફિસરોની ભારે તંગી સર્જાઈ છે. રાજયના ૧૦થી વધુ સિનિયર આઈએએસ ઓફિસરો તો હાલ દિલ્હીમાં ભારત સરકારની સેવામાં કાર્યરત છે જ અને રાજયના નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અનીલ મુકીમ તથા મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વૈન જેવા અન્ય બે સિનિયર આઈએએસ કક્ષાના ઓફિસરોની ફરીથી ભારત સરકારના મંત્રાલયોમાં નિયુકિત કરવામાં આવી છે. દરમ્યાનમાં જ જુલાઈ-૨૦૧૮ અર્થાત ચારેક માસમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.ડાગુર પણ વય-નિવૃત્ત્। થવાના છે ત્યારે આવા મહત્વના સ્થાનો ઉપર અન્ય સિનિયર આઈએએસ ઓફિસરોની નિયુકિતનો પ્રશ્ન ગુજરાત સરકારના પજવી રહ્યો છે. એમ સમજાય છે કે, હવે, ટૂંક સમયમાં જ આઈએએસ ઓફિસરોની બદલીનો ગંજીપો ફરી ચીપવાની રાજય સરકારને રીતસરની ફરજ પડશે.

ગુજરાતમાં સીધી ભરતીથી આઈએએસ થયેલા અને બઢતી બાદ આઈએએસ થયેલાઓ મળીને આઈએએસ ઓફિસરોનું કુલ સંખ્યાબળ ૨૯૭નું છે. એમાં સીધા આઈએએસ થયેલા ૨૦૭ અને આઈએએસના પદે બઢતી પામેલા અધિકારીઓની સંખ્યા ૯૦ છે. હાલની સ્થિતિએ એમાંથી સીધા આઈએએસ થયેલાઓની ૧૬૪ અને બઢતીથી આવેલા આઈએએસની ૭૭ જગ્યાઓ મળીને કુલ ૨૪૧ જગ્યાઓ ભરાયેલી છે. જયારે આઈએએસ ઓફિસરોની કુલ ૫૬ જગ્યાઓ તો હાલમાં ખાલી પડી છે. રાજયના ૧૦થી વધુ આઈએએસ ઓફિસરો તો હાલ દિલ્હી ખાતે ભારત સરકારમાં ડેપ્યુટેશન ઉપર છે.

અહીં ઉલ્લેખનીય બાબત તો એ છે કે, દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી વધુ વિશ્વસનીય ઓફિસર તરીકે જેમની નામના છે તેવા નાણા વિભાગના સચિવ હસમુખ અઢિયા નવેમ્બર-૨૦૧૮માં તથા ભારત સરકારમાં જ સેવા આપી રહેલા અન્ય ગુજરાત કેડરના આઈએએસ ઓફિસર રીટા તિવેટિયા તો જુલાઈ-૨૦૧૮માં જ વય-નિવૃત્ત થવાના છે. અર્થાત ભારત સરકારની સેવામાં ગુજરાત કેડરના જે આઈએએસ ઓફિસરો કાર્યરત છે એમાંથી પણ બે અધિકારી તો ટૂંકમાં જ વય-નિવૃત્ત થઈ જવાના છે.

ગુજરાત સરકાર માટે તો નાણા અને ગૃહ વિભાગના અધિક મુખ્યસચિવની જગ્યાઓ ભરવા ઉપરાંત ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વૈન જો ભારત સરકારના સેવામાં જવાના હોવાથી, કેન્દ્રીય ચૂંટણી પંચ હસ્તકની ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીના પદ માટે પણ ગુજરાત સરકારને ૨થી ૩ આઈએએસ ઓફિસરોની નામની યાદી દિલ્હી મોકલવી પડશે.

હવે, ગુજરાત સરકાર પાસે હાલમાં જે સિનિયર આઈએએસ ઓફિસરો બાકી રહે છે. એમાંથી વન-પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ સામે જીઆઈડીસીની જમીન અંગેના આક્ષેપોની તપાસ બાદ તેમની ઉપર ઘણાં નિયંત્રણો મૂકાયેલા હોવાની ચર્ચા છે. જયારે ૧૯૮૫ કેડરના આનંદ મોહન તિવારી અને પી.કે.ગેરાને હાલ વડોદરા સ્થિત રાજય સરકાર હસ્તકના વિવિધ નિગમોની જવાબદારીઓ સોંપાયેલી છે. તેઓ ત્યાં એમડી તરીકેની ફરજ બજાવી રહ્યા છે. જયારે ૧૯૮૫ના જ અન્ય અધિકારી ડી.એમ.પાંડે હાલમાં વિકલાંગો અંગેના નિગમમાં કમિશનર પદે છે.

ભારત સરકારની સેવામાં કયા અધિકારીઓ છે?.

ડો.હસમુખ અઢિયા, રીતા તિવેટિયા, અતાનુ ચક્રવર્તી, જી.સી.મુર્મુ, ગુરુપ્રસાદ મોહાપાત્ર, આર.પી.ગુપ્તા, રાજકુમાર, એ.કે.શર્મા, અનીતા કરવલ, એસ.અપર્ણા ઉપરાંત હવે ટૂંકમાં અનીલ મુકીમ અને બી.બી.સ્વૈન પણ ભારત સરકારની સેવામાં જોડાશે.

અન્ય અગ્ર સચિવોની બઢતી મળી શકશે

વર્ષ ૨૦૧૮ દરમિયાન એલ.ચ્યુઆંગો, રાજગોપાલ, અનુરાધા મલ, મુકેશ પુરી અને સંજય નંદન, પી.ડી.વાઘેલા જેવા અગ્ર સચિવો (પ્રિન્સીપલ સેક્રેટરી)ઓને અધિક મુખ્ય સચિવ કક્ષાએ બઢતી મળવાની શકયતા છે

(9:47 am IST)