Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

૧૫૦ની ઊઘરાણી માટે નાના ભાઈએ મોટા ભાઈની હત્યા કરી

કપડવંજ તાલુકાના દંતાલીના નવા રતનપુરાની ઘટના : નાના ભાઈ, તેની પત્ની-પિતાએ મોટા ભાઈને લોખંડની પાઈપ, ધારિયુ અને કુહાડાથી હુમલો કરીને પતાવી દીધો

નડિયાદ, તા. ૫ : કપડવંજ તાલુકાના દંતાલી તાબે નવા રતનપુરામાં નાનાભાઇ પાસેથી મોટાભાઇએ ઉછીના રૂ. ૧૫૦ લીધા હતા. જે સંદર્ભે થયેલ ઝઘડામાં નાનાભાઇ તથા તેની પત્ની અને પિતાએ મોટાભાઇને લોખંડની પાઇપ, ધારીયુ તથા લોખંડના કુહાડાથી જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ બનાવ સંદર્ભે મૃતકની પત્નીએ કપડવંજ રૂરલ પોલીસ મથકે દિયર, દેરાણી તથા સસરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કપડવંજ તાલુકાના દંતાલી તાબે નવા રતનપુરામા સબુરભાઇ હમીરભાઇ રાઠોડ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓને સંતાનમાં ૩ દિકરા હતા. જેમા મોટા દીકરાનું નામ તખતસિંહ, નાના દીકરાનું નામ ભરત તથા સૌથી નાના દીકરાનું નામ રણજીતભાઇ હતું. રણજીતભાઇનું મૃત્યુ નીપજયું હતું. તખતસિંહના અગાઉ લગ્ન થયા હતા. પરંતુ કોઇકારણસર તેઓના છુટાછેડા થયા હતા. ત્યારબાદ ૬ વર્ષ અગાઉ તખતસિંહના લગ્ન સાંબરકાઠા જિલ્લાના અંબાસા ગામના જમનાબેન સાથે થયા હતા. તેઓને સંતાનમાં બે દીકરીઓ છે. જેમા મોટી દીકરી પીનલ (ઉ.વ.૪) તથા નાની દિકરી હંસા (ઉ.વ.૨) ની છે. જમનાબેનના દિયર ભરતભાઇ દિવ્યાંગ હોય તેઓ તેમની બાજુના મકાનમાં રહે છે. જમનાબેનના પીયરમાં પાંચ ભાઇ બહેન છે. જેમાં મોટી સવિતાબેન, નાના દેવાભાઇ તથા વિનોદભાઇ, તેનાથી નાના ગીતાબેન અને જમનાબેન છે. સવિતાબેનના લગ્ન પણ નવા રતનપુરા ગામના રણજીતભાઇ ચતુરભાઇ રાઠોડ સાથે થયેલ છે. જમના બેનના પતિ તખતસિંહે બે દિવસ ઉપર નાનાભાઇ ભરતભાઇ પાસેથી ઘરવખરીની વસ્તુ લેવા માટે રૂ. ૧૫૦ ઉછીના લીધા હતા. અને બે દિવસ પછી પૈસા પાછા આપવાની વાત કરી હતી. દરમ્યાન બુધવાર સવારે ભરતભાઇએ મોટાભાઇ તખતસિંહ પાસે ઉછીના પૈસા પાછા માગ્યા હતા. આ વખતે તખતસિંહે સાંજના ગમે ત્યાંથી પૈસા લાવી આપીશ તેમ કહેલ હતું. સાંજના તખતસિંહ પોતાના ઘરે પરિવાર સાથે જમી પરવારી બેઠા હતા. તે વખતે દિયર ભરતભાઇએ કહેલ કે ઉછીના પૈસા લાવ જેથી તખતસિંહે જણાવેલ કે આજે પૈસાની વ્યવસ્થા થયેલ નથી. એક-બે દિવસમાં તારા પૈસા આપી દઇશ તેમ જણાવ્યું હતું.

જેથી ભરતભાઇ મોટાભાઇ તખતસિંહ ઉપર ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલવા લાગ્યા હતા. આથી તખતસિંહે અપશબ્દો બોલવાની ના પાડતા ભરતભાઇ લોંખડની પાઇપ લઇ આવી તખતસિંહને મારવા ફરીવળ્યા હતા. આ વખતે ભરતભાઇનું ઉપરાળુ લઇ તેમના પત્ની સવિતાબેન હાથમા ધારીયુલઇ આવી તથા સસરા સબુરભાઇ હાથમાં કુહાડો લઇ આવી ત્રણેય જણાએ તખતસિંહને માથાના ભાગે મારમારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેથી તખતસિંહ લોહીલુહાણ હાલતમાં ત્યાંજ ફસડાઇ પડ્યા હતા. આ વખતે ત્રણેય જણાએ જમનાબેનને કહેલ કે અહીંથી ચાલી જા નહીં તો તારા પણ રામ રમાડી દઇશું. જેથી જમનાબેન બીકના માર્યા પોતાના બાળકો લઇ કુટુંબી દિયરને ત્યાં નાસી ગયા હતા.  આ બનાવની જાણ તેઓએ પોતાના કુટુંબી દિયરને કહેતા તેઓ ઘરે આવી તપાસ કરતાં તખતસિંહ લોહીલુહાણ હાલતમાં મરણ પામ્યા હતા. આ બનાવ સંદર્ભે તખતસિંહને કપડવંજ હોસ્પિટલમાં લઇ જતાં ફરજપરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે જમનાબેને કપડવંજ રૂરલ પોલીસ મથકે ભરતભાઇ રાઠોડ, સવિતાબેન રાઠોડ, તથા સસરા સબુરભાઇ રાઠોડ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(8:49 pm IST)