Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

અમદાવાદ સહિત રાજ્યમાં હળવા વરસાદની સંભાવના

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ફેરફારઃ વિવિધ ભાગોમાં લઘુત્તમ-મહત્તમ તાપમાનમાં ફેરફાર

અમદાવાદ, તા.૫, પંજાબ અને આસપાસના વિસ્તારો ઉપર સાયક્લોનિક સરક્યુલેશનને લઇને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ સર્જાઈ ગયા બાદ આની સીધી અસર જોવા મળી હતી. આજે સવારથી જ વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું અને વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો. કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા હોવાના પણ અહેવાલ મળ્યા છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી છાંટા પડી શકે છે અને તાપમાન ૧૬ ડિગ્રીની આસપાસ રહી શકે છે. બીજી બાજુ ગુજરાત માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી છાંટા પડી શકે છે. વાદળછાયુ વાતાવરણ વચ્ચે આજે ફેરફારની સ્થિતિ જોવા મળી હતી. હાલના તાપમાન વચ્ચે રાજયના અનેક વિસ્તારોમાં શરદી, ખાંસી, દમ, અસ્થમા જેવા રોગના દર્દીઓની હાલત કફોડી બની જવા પામી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. રાજયમાં સરહદી જિલ્લા એવા કચ્છના  નલિયાની સાથે બનાસકાંઠાના ડિસા સહિતના રણને અડીને આવેલા વિસ્તારોમાં વસતા લોકોને હવે પહેલાની સરખામણીમાં ઠંડીથી રાહત થઇ છે પરંતુ હજુ પણ પારો ખુબ નીચે પહોંચેલો છે. અમદાવાદમાં હવે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. આજે બપોરે અમદાવાદમાં લોકોએ ગરમીનો અનુભવ કર્યો હતો.  આજે નલિયામાં ફરી એકવાર લઘુત્તમ તાપમાન વધીને ૧૧.૬ ડિગ્રી થયું હતું જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન વધીને ૧૬.૫ ડિગ્રી થયું હતું. ઇન્ફેક્શનના કેસોમાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. જાન્યુઆરી મહિનામાં જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસોમાં વધારો થયો છે. સવારમાં ઠંડી અને બપોરના ગાળામાં ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. મોડી સાંજે ફુલગુલાબી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, લઘુત્તમ તાપમાનમાં બે ત્રણ દિવસ દરમિયાન તબક્કાવારરીતે વધારો થઇ શકે છે. અમદાવાદમાં પણ પારો ઉપર જશે.

 

(10:04 pm IST)