Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

સુરતમાં રેલવે પાર્સલ ઓફિસ નજીક બુટલેગરો વચ્ચે ઝઘડામાં એકનું મોત

સુરત:રેલવે પાર્સલ ઓફિસ નજીક ગતરાત્રિના પાંચેક જણાએ લોખંડના સળિયા અને ફટકા વડે હુમલો કરતાં બરકતઅલી પઠાણ નામની વ્યક્તિને ઇજા થઇ હતી.

જ્યારે કાલુ નામની  વ્યક્તિનું ગંભીર ઇજાઓને કારણે હોસ્પિટલ ખસેડતાં રસ્તામાં જ મોત થયું હતું. હુમલા પાછળનું કારણ બહાર આવ્યું નથી. આમ છતાં, દારૂના વેપારની માથાકૂટ હોવાનું ચર્ચાય છે. ઘટના બાદ હુમલાખોરો ભાગી છુટયા હતા.

રેલવે પી.આઇ. બોદરે જણાવ્યું કે, રેલવે પાર્સલ ઓફિસના ઢોળાવ ઉપર બરકતઅલી પઠાણ ઢાળ  ઉપર પાળી પાસે  તથા તેના મજૂરો નરેશ, સુંદર અને કાલુ નજીકની બસ્તી પાસેની પટરી ઉપર બેઠા હતા ત્યારે કાલી બસ્તીમાંથી લોખંડનો સળિયો તથા ફટકા સાથે ધસી આવેલા સલીમ તથા ચાર-પાંચ જણાંએ એકાએક જ હુમલો કર્યો હતો. આ હુમલામાં બરકતઅલી પઠાણને માથામાં અને હાથમાં ઇજા પહોંચી હતી, જ્યારે મજૂર કાલુનું ગંભીર ઇજાઓને કારણે મોત થયું હતું.

ઘટના વેળા આસપાસથી ઓળખીતાઓ દોડી આવ્યા હતાં અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. જેમાં કાલુને સ્મીમેર હોસ્પિટલ ખસેડતાં રસ્તામાં જ મોત થયું હતું, જ્યારે બરકતઅલી પઠાણને રીંગરોડ ઉપરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

સલીમ અને તેના ચાર-પાંચ સાગરિતો દ્વારા કરવામાં આવેલા આ ઓચિંતા હુમલાનું કારણ બહાર આવ્યું નથી પણ બરકતઅલી પઠાણે ફરિયાદમાં કોઇ બાબતે સલીમને મનદુઃખ થયું હોવાની શંકા વ્યક્ત કરી છે. સલીમ અને તેના સાગરિતો ફરાર છે. સુરત રેલવે પોલીસે ગુનો નોંધીને તપાસ  હાથ ધરી છે.

(6:25 pm IST)