Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

મહેસાણાના ઇન્દિરા નગર પ્રાથમિક શાળા નજીક તપાસમાં ગયેલ બે પોલીસ કર્મી પર ઉશ્કેરાયેલ શખ્સોનો હુમલો

મહેસાણા:શહેરમાં આવેલા ઇન્દિરા નગર પ્રાથમિક શાળા નજીક શંકાસ્પદ હાલતમાં જોવા મળેલ એક શખ્સની પોલીસના બે કર્કર્મચારીઓએ  તપાસ કરતાં તે એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને તલવારના ઘા ઝીંકી દઈને હુમલો કર્યો હતો.જેમા ઇજાગ્રસ્ત બનેલા પોલીસ હેડ કોન્સ્ટેબલને સારવાર માટે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓ સામે  ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા તાલુકા પોલીસ મથકના તાબા હેઠળના પિલુદરા આઉટ પોલીસ ચોકીના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશસિંહ પોતાના બાઇક પર સાંજના સુમારે પેટ્રોલીંગની કામગીરીમાં હતા. તે  વખતે રામોસણા વિસ્તારમા ઇન્દિરનગર પ્રાથમિક શાળા પાસે રહેતા મયુર ઉર્ફે મયલો બાબુજી ઠાકોરની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની પુછપરછ કરી હતી. તે  સમયે મયુર એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને હું  હવે દારૃનો વેપાર કરતો નથી તેવુ કહીને ગાળો બોલવા લાગ્યો હતો. તે સમયે ઘરમાંથી તેની માતા ભીખીબેન અને બહેન ટીના બહાર આવીને કહેવા લાગ્યા હતા કે બંને પોલીસવાળઓને જીવતા જવા દેવા નથી. જ્યારે  મયુર ઘરમાં જઈને તલવાર લઈ આવી હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર પ્રજાપતિ પર હુમલો કરતાં તેમને ગંભીર ઇજાઓ થઈ હતી. તેમજ પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરવમાં આવી હતી.જેથી હોબાળો થતાં લોકોનું ટોળું એકઠું થઈ જતાં હુમલાખોરો ત્યાંથી  જતાં રહ્યા હતા. ઘટના અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોધાવવામા આવી હતી. જેના આધારે પોલીસે મયુર ઉર્ફે  મય્લો બાબુજી ઠાકોર,ભીખીબેન ઠાકોર અને ટીના ઠાકોર સામે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:38 pm IST)