Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

અમદાવાદમાં છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલ મેહુલ પટેલના ઘરમાં એલસીબી ટીમ દ્વારા દરોડાઃ સોફા, એલઇડી ટીવી, લોખંડની તીજોરી, તેલના ડબ્‍બા અને ચોખ્‍ખા સહિતનો મુદ્દામાલ જપ્‍ત

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય LCBએ એક એવા આરોપીની ધરપકડ કરી છે કે, જે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો છે. આરોપી મેહુલ પટેલ હાથીજણ વિસ્તારમાં રહે છે. અમદાવાદ ગ્રામ્યના ગામડામાં ભાડે દુકાન રાખી પહેલા વેપારીઓ પાસેથી ઘરવખરી માલસામાન મંગાવતો હતો. જો કે બાદમાં વેપારીઓ સાથે વિશ્વાસ કેળવાયા બાદ તેમને ચેક આપી પૈસા નહીં ચૂકવીને છેતરપિંડી કરતો હતો.

આરોપી મેહુલ પટેલે માત્ર એક વેપારીને નહીં પરંતુ આજ મોડેસ ઓપરેન્ડીથી અનેક લોકોને છેતરી ચૂકયો હોવાનું સામે આવ્યુ છે. LCBને મળેલી ફરિયાદ આધારે આરોપી મેહુલને ઝડપી બે લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સામાન્ય રીતે પોલીસ ચોરી કે છેતરપિંડીના ગુનામાં ગયેલ રોકડ રકમ અથવા સોનાના દાગીના રિકવર કરતી હોય છે. જો કે આ વખતે છેતરપિંડીના ગુનામાં પોલીસે સોફાસેટ, LED ટીવી, લોખંડની તિજોરી અને ઘરવખરી માટે વપરાતા તેલના ડબ્બા અને ચોખા પણ કબજે કર્યા છે.

સાંભળીને કદાચ નવાઈ લાગશે કે પોલીસ આ પ્રકારનું મુદ્દામાલ પણ કબજે કરી શકે? ત્યારે હકીકત એવી છે કે આરોપી મેહુલ પટેલ અનેક વેપારીઓ પાસેથી પોતે દુકાન કરી હોવાના બાકીમાં માલસામાન મેળવતો અને બાદમાં ચેક આપી ભાડાની દુકાન ખાલી કરી મુદ્દામાલને બારોબાર વેચી રૂપિયા ઉભા કરી લેતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવી છે કે માત્ર એક વેપારીને નહીં પરંતુ અનેક વેપારીઓને મેહુલ આ જ રીતે છેતરપિંડી કરી અને ફરાર થઈ જતો. અત્યાર સુધીમાં ૨૦ થી વધુ મોબાઈલ સીમકાર્ડ બદલી અને નવા નામથી વેપારી બની લોકોને છેતરવાનું કામ કરતો આરોપી આખરે પોલીસ સકંજામાં આવી ગયો છે.

(5:02 pm IST)