Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

વડોદરામાં કોરોના વાયરસના નવા સ્‍ટ્રેન સાથેના દર્દીને ગોત્રી હોસ્‍પિટલમાં ઓબ્‍ઝર્વેશન હેઠળ રખાયોઃ યુવકના સંપર્કમાં આવેલા લોકોની તપાસ અને હોમ કોરન્‍ટાઇનની કામગીરી

વડોદરા: બ્રિટનમાં મળી આવેલા કોરોના વાઈરસનો નવો સ્ટ્રેન ભારત સહિત ગુજરાતમાં પણ ફેલાઈ રહ્યો છે. આજે વડોદરામાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ સામે આવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના નવા સ્ટ્રેનથી સંક્રમિતોની સંખ્યા 5 થઈ ગઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બ્રિટનથી વડોદરા પરત ફરેલા 27 વર્ષના યુવકમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનના લક્ષણો મળી આવ્યાં છે. નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલૉજીએ આ યુવકના રિપોર્ટમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનની પુષ્ટિ કરી છે. હાલ આ યુવકને શહેરની ગોત્રી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે.

વડોદરામાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ સામે આવવાની સાથે જ આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગે આ યુવકના સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ કરી તેમને ક્વોરન્ટાઈન કરવાનું શરૂ કરી દીધુ છે.

જણાવી દઈએ કે, લંડનથી આવેલી ફ્લાઈટોમાં અનેક મુસાફરો ગુજરાતમાં આવતા રાજ્યમાં કોરોના વાઈરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ હતી. અગાઉ UKથી આવેલા 4 મુસાફરોમાં કોરોના વાઈરસનો નવો સ્ટ્રેન મળી આવ્યો હતો. જેમને SVP હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. હવે વડોદરામાં નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ સામે આવતા રાજ્યમાં આવા કુલ 5 કેસ નોંધાયા છે.

(5:00 pm IST)