Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

થરાદના ભાપી નજીકથી મોટરસાયકલ પર પોષડોડાની હેરાફેરી: બે શખ્શો પાસેથી 20 કિલો જથ્થો ઝડપાયો

સ્વીફ્ટ કાર સાથે અકસ્માત સર્જાતા કટ્ટા નીચે પડી જતા ભાંડો ફૂટ્યો

થરાદના ભાપી નજીકની નર્મદા કેનાલ પરથી બે વાહનો વચ્ચે અક્સ્માત સર્જાતાં મોટરસાયકલ પર પોષડોડાની હેરાફેરી થતી હોવાનું ખુલવા પામ્યું હતું. બનાવની જાણ થતાં દોડેલાં એ.એસ.પી. અને પી.આઇ.એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ય માહિતી મુજબ સોમવારના બપોરના સુમારે થરાદ તાલુકાના ભાપી ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરના રોડ પર રાજસ્થાન તરફથી મોટરસાયકલ પર પોષડોડાનાં બે કટ્ટાં લઇને બે યુવકો થરાદ તરફ આવી રહ્યા હતા. જેમને સામેથી આવતી એક સ્વીફ્ટ કાર સાથે અક્સ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોટરસાયકલને આગળના ભાગે નુકશાન થવા પામ્યું હતું. આથી બંન્ને યુવકો પાસેથી નીચે પડેલાં (તેમની પાસે રહેલા) કટ્ટાંમાં પોષડોડા હોવાની જાણ થવા પામી હતી.

આ બનાવ અંગે થરાદ પોલીસને જાણ કરાતાં મદદનીશ પોલીસ અધિક્ષક પુજા યાદવ અને પી.આઇ. જે.બી.ચૌધરી સ્થળ પર દોડી આવ્યાં હતાં. તેમણે નર્મદા નહેરના રસ્તે બાઇક પર પોષડોડા લઈને આવતા બે શખસો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. યુવકો પાસેથી અંદાજીત 20 કિલો પોષડોડા પોલીસે કબજે લીધાનું અનુમાન વ્યક્ત કરાયું હતું આ લખાય છે ત્યાં સુધી કાગળોની કાર્યવાહી ચાલું હોવાનું અને દફતરે કોઇ નોંધ થવા પામી ન હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

(11:51 am IST)