Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સ માટે પરીક્ષા ફી જાહેર

ધો.10ની પરીક્ષા માટે રૂપિયા 355 અને 12 સાયન્સ માટે રૂ. 605 ફી ભરવાની રહેશે: ધો.12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓની ફી રૂ. 490 નક્કી કરાઈ

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2021માં લેવાનારી ધો.10 અને ધો.12 સામાન્ય પ્રવાહ તથા ધો.12 સાયન્સની પરીક્ષાની ફી જાહેર કરવામાં આવી છે.

 

 ગતવર્ષે જ બોર્ડ દ્વારા ફીમાં વધારો કર્યો હોવાથી ચાલુ વર્ષે કોઈ વધારો કરાયો નથી. બોર્ડ દ્વારા વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ પાસેથી પરીક્ષા ફી લેવામાં આવતી ન હોવાથી તેમને ફી માંથી મુક્તિ મળશે. નિયમિત વિદ્યાર્થીઓ માટેની ધો.10ની ફી રૂ. 355 રહેશે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં રૂ. 490 અને ધો.12 સાયન્સમાં રૂ. 605ની ફી વસૂલ કરવામાં આવશે.

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2021માં લેવાનારી પરીક્ષા માટેની ફીના ધોરણો બોર્ડ દ્વારા નક્કી કરી દેવામાં આવ્યા છે. તે મુજબ નિયમિત વિદ્યાર્થીઓ ઉપરાંત રિપિટર વિદ્યાર્થીઓ માટે લેવાતી પરીક્ષા ફી જાહેર કરવામાં આવી છે. ધો.10માં રિપિટર વિદ્યાર્થીઓની એક વિષયની ફી રૂ.130 નક્કી કરાઈ છે. જ્યારે ત્રણ કરતા વધુ વિષયની ફી રૂ. 345 રહેશે. ધો.10માં ખાનગી વિદ્યાર્થીઓએ રૂ. 730ની ફી ભરવાની રહેશે. આ જ રીતે ધો.12 સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થીઓની ફી રૂ. 490 રહેશે. જ્યારે ખાનગી વિદ્યાર્થી માટેની ફી રૂ. 870 નક્કી કરાઈ છે.

ધો.12 સાયન્સની પરીક્ષા ફીમાં ગતવર્ષે વધારો કરાયા બાદ ચાલુ વર્ષે કોઈ ફેરફાર કરાયો નથી. ધો.12 સાયન્સમાં એક વિષયની ફી રૂ. 180 રાખવામાં આવી છે. જ્યારે ત્રણ વિષય કરતા વધુ વિષયની ફી રૂ. 605 કરવામાં આવી છે. જ્યારે પ્રાયોગિક વિષયની પરીક્ષા ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત એક વિષયની પ્રાયોગિક ફી રૂ. 110 લેવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. આમ, 3 વિષયની પ્રાયોગિક પરીક્ષા માટે હવે વિદ્યાર્થીઓને રૂ. 330 ભરવા પડશે

ધો.10ની ફી કેટલી નક્કી કરાઈ ?

નિયમિત વિદ્યાર્થી રૂ. 355
રિપિટર (1 વિષય) રૂ. 130
રિપિટર (2 વિષય) રૂ. 185
રિપિટર (3 વિષય) રૂ. 240
રિપિટર (3થી વધુ) રૂ. 345
ખાનગી વિદ્યાર્થી રૂ. 730

ધો.12 સા.પ્ર.માં કેટલી ફી લેવાશે ?

નિયમિત વિદ્યાર્થી રૂ. 490
રિપિટર (1 વિષય) રૂ.140
રિપિટર (2 વિષય) રૂ. 220
રિપિટર (3 વિષય) રૂ. 285
રિપિટર (3થી વધુ) રૂ.490
ખાનગી વિદ્યાર્થી રૂ. 870

ધો.12 સાયન્સની કેટલી ફી ?

નિયમિત વિદ્યાર્થી રૂ. 605
રિપિટર (1 વિષય) રૂ. 180
રિપિટર (2 વિષય) રૂ. 300
રિપિટર (3 વિષય) રૂ. 420
રિપિટર (3થી વધુ) રૂ. 605
પ્રાયોગિક (1 વિષય) રૂ.110

(10:57 pm IST)