Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

તુટેલા રસ્તા માટે કોન્ટ્રાક્ટરોને સૌથી વધુ ૧૮ નોટિસો અપાઈ

મધ્યઝોનમાં સૌથી ઓછી નોટિસ ફટકારાઈઃ ૩ વર્ષનો ડિફેકટ લાયબલિટી પીરીયડ હોવા છતાં શહેરના રસ્તા છથી ૮ મહિનામાં તુટીને ખરાબ થયાની ફરિયાદો

અમદાવાદ, તા.૫, અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૭માં શહેરના તુટેલા કુલ મળીને ૨૦૨ કિલોમીટરના રસ્તતાઓનો વિવાદ હજુ શમવાનુ નામ ન લેતો હોય એમ એક પછી એક નવા વિવાદ સામે આવતા જાય છે.શહેરના નવા પશ્ચિમઝોન તુટેલા રસ્તાઓ મામલે સૌથી વધુ ૧૮ નોટિસો રોડ બનાવનારા કોન્ટ્રાકટરોને આપવામાં આવી છે જ્યારે સૌથી ઓછી નોટિસ શહેરના મધ્યઝોનમાં બે કોન્ટ્રાકટરોને આપવામાં આવી છે.અમદાવાદ શહેરમાં ત્રણ વર્ષની ડિફેકટ લાયબલિટીવાળા રસ્તાઓ પણ માત્ર છથી આઠ માસમાં તુટી જવા પામ્યા હોવાની વિગતો વિજિલન્સના રિપોર્ટમાં બહાર આવવા પામી છે.આ અંગેની વિગત એવી છે કે,ગતવર્ષે જુલાઈ માસમાં પડેલા ભારે વરસાદને પગલે અમદાવાદના કુલ ૨૦૨ કિલોમીટરના રસ્તા તુટી જવા પામતા આ અંગે ભારે હોબાળા બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા વિજિલન્સ તપાસ સોંપાઈ હતી. વિજિલન્સના વચગાળાના અહેવાલ અને હાઈકોર્ટના કડક વલણ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગુરૂવારના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ કોન્ટ્રાકટરો સામે આકરા પગલા ભરવા મામલે સંમતિ સધાઈ હતી. અત્યાર સુધીમાં કુલ ૩૮ જેટલી રિકવરી અને પેનલ્ટીની નોટિસ ઈશ્યૂ કરવામાં આવી હોવાનુ કહેવામાં આવ્યુ હતુ.આ સાથે જ અમદાવાદ શહેરમાં રસ્તાના રિસરફેસીંગ માટે કુલ મળીને ૪૫ જેટલા સ્ટ્રેસ માટે રૂપિયા ૧૮ કરોડની રકમનો ખર્ચ કરવામા આવ્યો હોઈ તુટેલા રોડ મામલે ત્રણ કરોડ રૂપિયા રિકવરી પેટે નોટિસમાંથી વસુલાશે જ્યારે  ૨ કરોડ રૂપિયા પેનલ્ટીના રૂપમાં વસુલ કરવામા આવશે એ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો.રિપોર્ટ પ્રમાણે શહેરમાં તુટેલા રોડ મામલે સૌથી વધુ નોટિસ નવા પશ્ચિમ ઝોનમાં ૧૮ નોટિસો રોડ કોન્ટ્રાકટરોને આપવામાં આવી છે જયારે સૌથી ઓછી નોટિસ શહેરના મધ્યઝોનમાં બે નોટિસ મધ્યઝોનમાં આપવામાં આવી છે.આધાતજનક તથ્ય તો સામે એ આવવા પામ્યુ છે કે,શહેરમાં જે રોડ તુટવા પામ્યા છે એમાં ત્રણ વર્ષની ડિફેકટ લાયબલિટીવાળા રોડ કોન્ટ્રાકટરો દ્વારા બનાવવામાં આવ્યા છતાં આવા રોડ પણ માત્ર છથી આઠ માસની અંદર તુટી જવા પામ્યા છે.

 

(10:15 pm IST)