Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

દિવ્યાંગ દીકરી સુગમ્ય ભારત અભિયાનની સોશ્યલ બ્રાન્ડ એમ્બેસેડર બની

પ્રજ્ઞાચક્ષુ કલગી રાવલની પ્રેરણાદાયી સિધ્ધિ

વડાપ્રધાન મોદીજીના વિઝનને આગળ ધપાવશેઃ ગુજરાતના દિવ્યાંગોને નોર્મલ લાઇફ આપવાનું મહાઅભિયાનઃ આંખની રોશની વગર કલગીએ અનેક સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે

રાજકોટ તા. પ : કેન્દ્ર સરકારના દિવ્યાંગ વ્યકિતઓ માટેના ખાસ સુગમ્ય ભારત અભિયાનમાં ગુજરાતની દિવ્યાંગ દિકરી કલગી રાવલની ગુજરાતની સોશિયલ એમ્બેસેડર તરીકે નિમણુંક કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિઝન' એવા સુગમ્ય ભારત અભિયાન (Accible india Campaign) દેશના દિવ્યાંગ વ્યકિતઓને 'નોર્મલ લાઇફ'આપવાનો ઉદેશ છે, આ અભિયાનમાં સામાન્ય વ્યકિતઓનેસમકક્ષ દિવ્યાંગોને સ્થાન આપવાનું લક્ષ્ય છે જેમાં ડિજિટલ ટેકનોલોજીથી માંડીને રોજબરોજની કામગીરીમાં દિવ્યાંગોને પડતી અગવડો દુર કરવા માટેનું અભિયાન છે.ખાસ કરીને સોશીયલ કોમ્યુનિકેશનને એકસીસીબલ કરવું. રોજગારી આપવી, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં દિવ્યાંગો જાતે કરી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરવી.

કેન્દ્ સરકારના આ અભિયાનમાં ગુજરાતની સોશીયલ એમ્બેસેડર બનેલી કલગી રાવલે પણ દિવ્યાંગો માટેના કેટલાક પ્રોજેકટ તૈયાર કર્યા છે. જેના આધારે દિવ્યાંગોને 'નોર્મલ લાઇફ' મળી શકે.

જેવા કે, (૧) બેન્કોમાં પડતી અગવડો દૂર કરવી. (ર) દિવ્યાંગોને સોશીયલ નેટવર્કિંગની વધુ સગવડ મળે જેવી કે સ્કીન રીડર, ટોક બેન્કના ઉપયોગની સમજ.(૩) શાળા, હોસ્પીટલ, કોલેજ, મંદિર, મોલમાં દિવ્યાંગો સરળતાથી જઇ શકે, સમજી શકે અનેસ્વનિર્ભર બની શકે તે માટેના પ્રયાસો.(૪) કેન્દ્ર અને રાજય સરકારની કેટલીક યોજનાઓમાં દિવ્યાંગોને પડતી અગવડો દા.ત. ડીસેબિલીટી કાર્ડ  માટેની ઓનલાઇન સીસ્ટમમાં ફેરફાર કરાવવા. (પ) સરકારી, અર્ધસરકારી તેમજ ખાનગી વેબસાઇટને એકસીસીબલ કરાવી જેથી દિવ્યાંગોને ઉપયોગ કરવો સરળ પડે (૬) શાળા-કોલેજમાં અભ્યાસ અને અભ્યાસ ક્રમમાં પડતી અગવડો દુર કરવા પ્રયત્નો.

કલગી વિશેઃ- જન્મથી જ બ્લાઇન્ડ દિકરી કલગી અંધશાળાને બદલે સામાન્ય શાળામાં અંગ્રેજી માધ્યમમાં ધો. પ સુધી અભ્યાસ કર્યો, તે પછી સાત વર્ષ બાદ ધો.૧૦ ની બોર્ડની પરીક્ષા આપી. કોઇપણ શાળા કે ટયુશન વિના ધો.૧૦ નો અભ્યાસ કરી ૭૬% માર્કસ સાથે અંગ્રેજી માધ્યમમાં ઉત્તીર્ણ થનારી ગુજરાતની પ્રથમ દિવ્યાંગ દિકરી બની ૧૩ વર્ષની વયે સૌ પ્રથમ વખત લીટલ રેડિયો જોકી બની. આર.જે. બનવાનું સપનું પુરૂ કરવા ૧૬ વર્ષની વયે અમેરીકાના ન્યુજર્સીં ખાતે 'ચાલો ગુજરાત' મેગા ઇવેન્ટમાં વિશાળ શ્રોતાઓ વચ્ચે હરીશ ભિમાણી સાથે એન્કરિંગ કર્યું ગુજરાતમાં 'બેટી બચાવો બેટી ભણાવો' અભિયાનમાં ગામડાઓમાં જઇને દિકરીઓ, માતાઓને જાગૃત કરી ધો.૧૦ના અભ્યાસ બાદ 'મોટીવેટ' તરીકે વિવિધ સંસ્થાઓ અને ગામોમાં જઇને નવી પેઢીને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપી. અત્યાર સુધીમાં પ૦૦૦ થી વધુ નવયુવાન-યુવતીઓને મોટીવેટ કર્યા.

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં મતદાર જાગૃતિ અભિયાનમાં ડીસ્ટ્રીકટ આઇકોન તરીકે સામાજિક કાર્ય કરી મતદારોને જાગૃત કરવાના કાર્યક્રમો કર્યા. કલગીએ એવી દિવ્યાંગ છે જે ઘરમાં બેસીને દુનિયા સાથે જોડાયેલી છે મોબાઇલ ટેકનોલોજીના માધ્યમથી  તે ફેસબુક, વોટસઅપની સાથે અનેેક એપનો ઉપયોગ કરે છે. સેલ્ફી પણ તે લઇ શકે છે. કલગી ફાઉન્ડેશનઃ- દિકરી કલગીના વિઝનને સાકાર કરવા ર૦૧રમાં કલગી ફાઉન્ડેશન બન્યું જેમાં કલગીના પરિવારજનો, મિત્રો અને શુભેચ્છકો જોડાયા છે.  આ ફાઉન્ડેશનના માધ્યમથી કલગીએ બેટી બચાવો અભિયાન કર્યું યુવાનોને મોટીવેટ કર્યા, દિવ્યાંગ દિકરા-દિકરીઓને અંગ્રજી ભાષાનું સામાન્ય જ્ઞાન આપ્યું ટેકનોલોજીના ઉપયોગ વિશે સમજ આપી, દિવ્યાંગો માટેની સરકારી યોજનાનો લાભ સરળતાથી મળે તેમાટે પ્રયાસો કર્યા.

(8:11 pm IST)