Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

બોરસદ તાલુકાના કાળું ગામે બીમારીની વિધિ કરવાના નામે ઈસમે 1.50 લાખની ઠગાઈ આચરી

બોરસદ:તાલુકાના કાળુ ગામે બીમારીની વિધિ કરાવવાના બહાને ૧.૫૦ લાખની ઠગાઈ કરતા ત્રણ વિરૂધ્ધ વીરસદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કાળુ ગામે રહેતા ભગવાનભાઈ રામસિંહભાઈ વાઘેલાને સાતેક વર્ષ પહેલા લકવાની બીમારી થતાં સ્વરપેટીને અસર થઈ હતી. દરમ્યાન ૨૦૧૬માં ઉનાળાના સમયગાળા દરમ્યાન તેમના મોબાઈલ ફોન પર ફોન આવ્યો હતો કે હું રાજુભાઈ ગોસ્વામી મહારાજ બોલુ છુ, મારે તમારા ગામમાં આશ્રમ કરવાનો છે જેથી જમીન જોઈએ છે. ભગવાનભાઈએ રૂબરૂ આવજો જમીન મળી જશે તેમ જણાવ્યું હતુ. જેથી પંદર દિવસ બાદ રાજુભાઈ ગોસ્વામી અને મહેશભાઈ નામનો માણસ રીક્ષા લઈને આવ્યા હતા અને વાતચીત કરી હતી. દરમ્યાન બીમારી દૂર કરવા માટેનું જણાવ્યું હતુ કહ્યું હતુ કે, તમોને નડતર છે જે દૂર કરવા માટે વિધિ કરવી પડશે તેમ જણાવીને દોઢ લાખ રૂપિયા થશે તેમ જણાવ્યું હતુ. રૂપિયાની વ્યવસ્થા થઈ ગયા બાદ ભાઈલાલભાઈએ તેમને ફોન કરીને જાણ કરી હતી.
જેથી રાજુભાઈ ગોસ્વામી, મહેશભાઈ તથા એક ઉંમરલાયક સાધુ મહારાજ તેમના ઘરે આવ્યા હતા અને રૂમની અંદર દોઢ લાખના બે બંડલ હાથ પર મૂકાવીને વિધિ કરી હતી. વિધિ પત્યા બાદ ભગવાનભાઈને બહાર જવાનું કહી દોઢ લાખના બંડલો બદલી લીઘા હતા અને તેની જગ્યાએ કોરા બંડલો એક ચુંદડીમાં વીંટાળીને આને ડબ્બામાં મૂકી દેજો, બે દિવસ પછી ખોલજો તેમ જણાવીને જતા રહ્યા હતા. બે દિવસ પછી ખોલતાં જ બન્ને બંડલો કોરા નીકળ્યા હતા જેથી આપેલા નંબર પર સંપર્ક કરતાં મોબાઈલ ફોનો સ્વીચ ઓફ આવ્યા હતા જેથી ભગવાનભાઈએ વિરસદ પોલીસ મથકે આવીને ફરિયાદ આપી હતી.

(6:03 pm IST)