Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

બોરસદ ચોકડી બે યુવકો નશાની હાલતમાં કાર ચલાવતા રંગે હાથે ઝડપાયા

આણંદ:શહેરની બોરસદ ચોકડીએ આજે સાંજના સુમારે પુરપાટ ઝડપે ભયજનક રીતે કાર હંકારતા ચાલક સહિત બેને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી, જો કે પકડાયેલા ચાલકે પીઆઈને બદલી કરાવી દેવાની ધમકીઓ આપી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે સાંજના સુમારે પુરપાટ ઝડપે એક મહારાષ્ટ્ર પાસીંગની સેવરોલેટ એન્જોય કાર નંબર એમએચ-૩૮, ઈબી-૯૮૭૬ની આવી ચઢી હતી અને ડિવાઈડર સાથે અથડાઈ હતી તથા એક રીક્ષાને ટક્કર મારતા મારતાં માંડમાંડ બચી હતી. જેથી સ્થાનિકોએ કારને ઝડપી પાડીને તપાસ કરતાં ચાલક ચીક્કાર દારૂ પીધેલી હાલતમા તેમજ પાછલી સીટ ઉપર પણ એક શખ્સ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. દરમ્યાન ઘટનાની જાણ શહેર પીઆઈને થતાં તેઓ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગયા હતા જ્યાં પકડાયેલા ચાલકે પીઆઈ સાથે અસભ્યતાપૂર્ણ વર્તન કરીને બદલી કરાવી દેવાની ધમકી આપી હતી. જેથી પોલીસે બન્નેને ઝડપીને કાર સાથે પોલીસ મથકે લઈ આવ્યા હતા. જ્યાં તપાસ કરતાં પકડાયેલા બન્ને શખ્સો નાસિકના ઉમેશ સુભાષભાઈ ભોંસલે તેમજ કિરણ કેશવભાઈ પાટીલ હોવાનું ખુલવા પામ્યું હતુ.
ઉમેષ ભોંસલે આણંદ કૃષિ યુનિ.ની બલરામ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. જ્યારે કિરણ પાટીલ તેને નાસિકથી મૂકવા માટે આણંદ આવ્યો હતો જ્યાં બન્નેએ મહેફિલ માણી હોવાનું ખુલવા પામ્યું છે.

(6:01 pm IST)