Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

વ્યારાના વીરપુર નજીક પોલીસે બાતમીના આધારે ટેમ્પામાંથી 9.19 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

વ્યારા: વ્યારાના વિરપુર ગામે નવા હાઈવે પરથી વ્યારા તરફ આવતા આઈસર ટેમ્પામાંથી એલસીબીએ રૃા. ૯.૧૯ વિદેશી દારૃ ઝડપી પાડયો હતો. સુરત દારૃ લઈને જતાં ચાલક સહિત બે ની અટક કરી હતી. બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી કુલ રૃા. ૧૪.૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તાપી એલસીબી કચેરીમાંથી મળેલી માહિતી મુજબ ગતરોજ સાંજે સોનગઢ-વ્યારા ને.હા.નં.૫૩ પરથી વ્યારાના વિરપુર ગામ તરફ આવતાં આઈસર ટેમ્પો (નં.- એમએચ- ૧૮- એએ- ૭૯૬) ને એલસીબી સ્ટાફે અટકાવ્યો હતો. તાડપત્રી ઢાંકેલા ટેમ્પાના પાછળનો ભાગ દુરથી ખાલી હોય તેમ જણાતું હતું. જેથી પોલીસે ટેમ્પામાં ચઢી તપાસ કરતાં ઉપર ત્રણ ફુટ જેટલું લાંબુ ચોરખાનું બનાવ્યું હતું. જેમાં પરપ્રાંત બનાવટની નાની-મોટી વ્હીસ્કીના બોક્ષ નંગ- ૧૨૬, બોટલ નંગ- ૩૯૨૪ કિંમત રૃા. ૯,૧૯,૨૦૦ ભરેલી હતી. જેથી ચાલક વિનોદ મધુકરભાઈ શિંદે અને સાથેના સંદિપ ભાસ્કરભાઈ શિંદે (બંન્ને રહે, કાવઠા, સોનાર, તા.જી. ધુલે, મહારાષ્ટ્ર) ની અટક કરી હતી. બંનેની પી.આઈ. રાકેશ પટેલે પુછતાછ કરતા દારૃ ગુલાબ દેવીદાસ શિંદે (રહે. કાવઠા, સોનાર, તા.જી.ધુલે)એ ભરાવ્યો હતો અને સુરત ખાતે લઈ જઈ રાજુ સોની નામના શખ્સને આપવાનો હતો. જેથી પોલીસે દારૃ સાથે તાડપત્રી નંગ-૧, મોબાઈલ નંગ-૧, તથા આઈસર ટેમ્પો મળી કુલ રૃા. ૧૪,૨૦,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈ ગુલાબ શિંદે અને રાજુ સોનીને વોન્ટેડ જાહેર કર્યો હતો.

(5:59 pm IST)