Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

સેલવાસમાં તંત્રની બેદરકારી: ચરસ ગાંજાનું ખુલ્લેઆમ વેચાણ શરૂ

વાપી:સેલવાસની સરકારી શાળામાં વિદ્યાર્થીએ છરા વડે ઘાતક હુમલો કર્યા જેવી ઘટનાઓ ભવિષ્યમાં નહીં બને તે માટે સંબંધિત તમામ વિભાગોને સખત કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે.

ગાંજા-ચરસના ધૂમ વેચાણ અંગે છેલ્લા આઠેક વર્ષથી પોલીસ વિભાગને સતત જાણ કરવા છતાં ગંભીરતા દાખવવામાં નહીં આવતાં હાલ પરિસ્થિતિ કાબુ બહાર ગઈ હોવાની પણ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા પ્રશાસકને લેખિત જાણ કરાઇ છે.

સેલવાસના ટોકરખાડા વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં તાજેતરમાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીએ ત્રણ વિદ્યાર્થી પર છરા વડે ઘાતકી હુમલો કર્યો હતો. આ ઘટના ઘણી ગંભીર હોવા છતાં પ્રશાસન દ્વારા ગંભીરતા દાખવવામાં આવતી નથી. આ અંગે આજે સ્વૈચ્છિક સંસ્થા બિઈંગ હ્યુમન સોસાયટી દ્વારા પ્રશાસકને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

જેમાં જણાવાયું છે કે, માધ્યમિક શાળામાં આ પ્રકારની ઘટનાઓની શરૃઆત પ્રદેશના ભવિષ્ય માટે ખૂબ જ ઘાતક છે. દા.ન.હવેલીના શહેરી વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી ગાંજા તેમજ ચરસનું વિદ્યાર્થીઓ અને યુવાવર્ગમાં વ્યસન વધી ગયું છે.

જે અંગે છેલ્લા આઠેક વર્ષથી પોલીસ વિભાગને સતત જાણ કરવા છતાં પોલીસ અધિકારીઓએ ગંભીરતા નહીં દાખવતા આજે પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી છે.  શાળામાં આવા હુમલા ભવિષ્યની પેઢી માટે પણ લાલબત્તી સમાન છે. જેથી આવી ઘટનાઓનું પુનરાવર્તન નહીં થાય તે માટે જરૃરી તમામ વિભાગો તેમજ પોલીસને આદેશ કરી કડક હાથે કામગીરી કરવા અનુરોધ છે.

(5:58 pm IST)