Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

વડોદરા નજીક કેમિકલ ટેસ્ટિંગ કરતી વેળાએ એજન્ટ મોતને ભેટ્યો

વડોદરા: શહેર નજીક દશરથ ગામે આવેલ કસ્ટમના ઇન્લેન્ડ ડેપો (આઇસીડી) ખાતે એક કેમિકલનું સેમ્પલ પાસ કરાવવા માટે આવેલા એક શિપિંગ એજન્ટે કેમિકલના પાવડરને પાણીમાં નાંખીને સુંઘતા તે બેભાન થઇ ગયો હતો. શિપિંગ એજન્ટને બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આજવા રોડ પર હરિકૃષ્ણા ટાઉનશીપમાં રહેતો આશિષ સોમાભાઇ રોહિત (ઉ.૩૨) શિપિંગ એજન્ટ તરીકે કામ કરતો હતો. વડોદરામાં આવેલી કેમિકલ કંપનીઓના જે કેમિકલ વિદેશોમાં એક્સપોર્ટ થાય છે એ કેમિકલને પહેલા કસ્ટમ ક્લિયરન્સ કરાવવા પડે છે આ માટે શિપિંગ એજન્ટ કેમિકલનું સેમ્પલ લઇને આઇસીડી (ઇનલેન્ડ કસ્ટમ ડેપો) ખાતે સેમ્પલ પાસ કરાવે છે અને પછી જ એક્સપોર્ટને મંજૂરી મળે છે. આવા જ એક સેમ્પલને લઇને આશિષ કાલે બપોરે ૨.૩૦ વાગ્યાના અરસામાં આઇસીડી (દશરથ) ખાતે ગયો હતો. છાણી પોલીસના મતે આશિષે આઇસીડીની ઓફિસમાં 'સોડિયમ નાઇટ્રેટ' પાવડરને પાણીમાં નાખીને તેને સુંઘ્યો હતો. કેમિકલના આ મિશ્રને સુંઘતા જ આશિષ બેભાન થઇને ઢળી પડયો હતો. આ ઘટનાથી આઇસીડીમાં દોડધામ મચી ગઇ હતી અને આશિષને છાણીની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો જો કે ડોક્ટરોએ આશિષને મૃત જાહેર કર્યો હતો.

(5:58 pm IST)