Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

કાલે અમદાવાદમાં શશીકુંજ દિવ્યાંગ કલબનું લોન્ચીંગઃ દિવ્યાંગ બાળકો-યુવાનો માટે ''ફેશન મેનીયા''નું આયોજન

દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ તથા તેઓની શકિત ખીલવવા કાર્યરત છે એક અનોખી સંસ્થા : દિવ્યાંગ બાળકોના સપનાઓને સાકાર કરવાનું મારૂ ધ્યેયઃ ડાયરેકટર ભૈરવીબેન લાખાણી

રાજકોટ તા. પ : શારીરીક અને માનસિક રીતે પછાત એવા બાળકોનો સર્વાંગી વિકાસ થાય, તેઓમાં રહેલી આંતરીક શકિતઓ ખીલી ઉઠે અને તેઓને પોતાનું કૌશલ્ય બતાડવાનું પ્લેટફોર્મ મળે તે હેતુસર ભૈરવીબેન યોગેશભાઇ લાખાણી દ્વારા સ્થાપવામાં આવેલ શશીકુંજ એકાદમી એક પછી એક સફળતાના શિખરો પ્રાપ્ત કરી રહી છે. આર્ટ કલ્ચર અનેમ્યુઝીક ક્ષેત્રે કાર્યરત શશીકુંજ અકાદમી પોતાની યશકલગીમાં એક નવુ પીછું ઉમેરતા આવતીકાલથી શશીકુંજ દિવ્યાંગ કલબની અમદાવાદમાં સ્થાપના કરી રહેલ છે જે નિમિતે દિવ્યાંગ બાળકોને અને યુવાનો માટે ''ફેશન મેનીયા''નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આવતીકાલે સાંજે ૬ વાગ્યે શશીકુંજ કલ્ચરલ એન્ડ સ્પોર્ટસ સેન્ટર, સપ્તવિલા નજીક, રામજીવિા બંગલા પાસે, સીંધુ ભવન પાછળ, એસ જી હાઇવે ની સામે અમદાવાદ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનપદે જાણીતા આર્ટીસ્ટ વૃંદાવનભાઇ સોલંકી, નવગુજરાત સમયના તંત્રી અજયભાઇ ઉમટ, કર્મ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ચિરંજીવભાઇ પટેલ, મેરીગોલ્ડના ડાયરેકટર શીલ્પાબેન ચોકસી ઉપસ્થિત રહેશે આ પ્રસંગે રેડિયો મીર્ચીના આર.જે. કુનાલ અને ચાઇલ્ડ ટી.વી.આર્ટીસ્ટ માસ્ટર ખુશ રામાણી પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.

ર૦૦૪ થી કાર્યરત શશીકુંજ અકાદમી અનેકવિધ સામાજીક પ્રવૃતિઓની સાથે સાથે દિવ્યાંગ બાળકોના ઉત્કર્ષ માટે સતત કાર્યરત છે. અગાઉ સફળતા પૂર્વક ડાન્સ મેનીયા, ગ્રીન મેનીયા, ગરબા મેનીયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાંં દિવ્યાંગ બાળકોએ ભાગ લઇ પોતાની આંતરીક શકિતઓનો પરિચય આપી લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા શશીકુંજના ડાયરેકટર ભૈરવીબેન લાખાણી દિવ્યાંગ બાળકોના સપનાઓને સાકાર કરવા સતત દોડતા રહે છે. તેમણે સ્થાપેલી આ સંસ્થા દિવ્યાંગ બાળકો માટેનું એક મંદિર બની છે. દર બે ત્રણ મહિને આ સંસ્થા આવા બાળકોના ઉત્કર્ષ માટે વિવિધ કાર્યક્રમો યોજતી હોય છે.

(4:28 pm IST)