Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

પરેશ ધાનાણી જ વિરોધપક્ષ નેતા બને માટે કોંગ્રેસ સામે લડત ચલાવીશું

હાર્દિક પટેલનું કોંગ્રેસને અલ્ટિમેટમ જો નથી માન્યું તો તૈયાર રહેજો

નવી દિલ્હી તા. ૫ : સત્તામાં આવ્યા પછી ભાજપમાં તો મંત્રીપદ અને વિભાગો માટે સાઠમારી ચાલું જ છે. પરંતુ કોંગ્રેસમાં પણ વિરોધપક્ષ નેતા જેવા મહત્વના પદ માટે ખેંચતાણ ચાલુ છે. ત્યારે હવે હાર્દિક પટેલે પણ કોંગ્રેસના આ ધમાસાણમાં ઝંપલાવ્યું છે. હાર્દિકે કહ્યું કે, 'પાટીદાર અનામત આંદોલનને કારણે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કરી શકી હતી એટલે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી જ બનવા જોઇએ, નહીં બને તો અમે કોંગ્રેસ સામે પણ લડત ચલાવીશું.'

ગુરૂવારે સુરતમાં રાજદ્રોહના કેસ માટે હાજરી આપવા આવેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'વિરોધ પક્ષના નેતા તરીકે પરેશ ધાનાણી પાવરફુલ વ્યકિત છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી જ બને એવી અમે કોંગ્રેસને માગ કરેલી છે અને જો કોંગ્રેસ નહીં માને તો અમે તેમની સામે પણ લડત ચલાવીશું.

કહેવાય છે કે આ ચૂંટણીમાં સિદ્ઘાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા અને શકિતસિંહ ગોહિલ જેવા દિગ્ગજ નેતાઓ હારી ગયા બાદ ધાનાણી જ એકલા એવા નેતા છે જે લોકો વચ્ચે કોંગ્રેસનો ચહેરો બની શકે છે. ઉપરાંત ધાનાણી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પણ નજીક માનવામાં આવે છે. તો તેમના જીલ્લા અમરેલીમાં ભાજપના સુપડા સાફ કરવા પાછળ તેમનો જબરજસ્ત ફાળો છે. સૂત્રો તો ત્યાં સુધી કહે છે કે ખોડલધામ ટ્રસ્ટ સાથે જોડાયેલ ધાનાણીના કારણે જ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ૫૪માંથી ૩૦ બેઠકો પર આવી શકયું છે અને તેના કારણે વિધાનસભામાં મજબૂત વિપક્ષ તરીકે ઉભર્યું છે.

આ ઉપરાંત મહારાષ્ટ્રમાં દલિતો પર થયેલા કથિત અત્યાચાર મામલે હાર્દિકે કહ્યું કે, 'સત્તા દ્વારા દલિતોનો અવાજ દબાવી દેવામાં આવે છે જેના કારણે તેઓને ન્યાય નથી મળતો. સરકાર નથી ઇચ્છતી કે જીગ્નેશ મેવાણી જેવા યુવાનેતાઓ જનતા માટે એક ઓપ્શન તરીકે ઉભરે.' આ ઉપરાંત હાર્દિકે સુરતની લાજપોર જેલની પણ મુલાકાત લીધી હતી. અહીં તે પાસ આંદોલનકારીઓ ચંદ્રેશ કાકડીયા, મૌલિક નસિન, રિશિ દેસાઈ અને જિગ્નેશ ગરાસિયા કે જેમની થોડા સમય પહેલા હિંસા ફેલવવા અને સામાજીક શાંતિ ભંગ કરવા બદલ ધરપકડ થઈ હતી.

તો હાર્દિકના આ નિવેદન બાદ કોંગ્રસ પ્રભારી અશોક ગેહલોતે તીવ્ર પ્રતિક્રિયા વ્યકત કરતાં કહ્યું કે, 'વિપક્ષી નેતા સહિતના પદો પરની વરણી કોંગ્રેસનો આંતરિક મામલો છે. આ પદ પર કોને બેસાડવા તેનો નિર્ણય-અધિકાર માત્ર ચૂંટાયેલાં ધારાસભ્યો અને કોંગ્રેસ હાઈકમાન્ડને છે, બહારના કોઈને નહીં.' તેમણે વધુમાં કહ્યું કે, 'અમને કોઈના દબાણ કે ધમકીની પરવા નથી, કોઈના દબાણને કારણે વિપક્ષના નેતા નક્કી થયા છે તેવા ભ્રમમાં કોઈએ રહેવાની જરૂર નથી. હાર્દિક નક્કી કરી લે કે તેને કોની સામે લડાઈ લડવી છે.'(૨૧.૯)

(9:48 am IST)