Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

સ્પોર્ટસ ઇન્જરીની સારવાર હવે અમદાવાદમાં જ શકય

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન : સાંધાની ઇજાના ઇલાજ, ઘૂંટણ, ખભા, કોણી, નિતંબ અને ઘૂંટીના સાંધાઓની જાળવણી સહિત સારવાર શક્ય બનશે

અમદાવાદ, તા.૪ : હવે અમદાવાદ સહિત ગુજરાતના સ્પોર્ટસમેન-રમતવીરોને સ્પોર્ટસ ઇન્જરીના કિસ્સામાં મુંબઇ, બેંગલુરૂ કે દિલ્હી સુધી લાંબા નહી થવુ પડે પરંતુ હવે સ્પોર્ટસ ઇન્જરીના કિસ્સામાં અમદાવાદમાં ઘરઆંગણે જ અસરકારક અને પરિણામલક્ષી સારવાર શકય બનશે. રમતગમત સંબંધિત ઇજાના નિવારણ અને પુનર્વસનને સમર્પિત ગુજરાતના પ્રથમ સેન્ટર આર્થ્રો વન સ્પેશિયાલિટી કલીનીકનું રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત ક્રિકેટ એસોસીએશન, એશિયન એન્ડ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કન્સલ્ટન્ટ તથા ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ આર્થ્રોસ્કોપીની સર્જરી એન્ડ ઓર્થોપેડિક સ્પોર્ટ્સ મેડિસિન (આઇએસએકેઓએસ)ની કમિટીના સભ્ય ડો.નીલેશ શાહ અને ચીફ સ્પોર્ટસ રીહેબ ફીઝીયો ડો.પાર્થવ પટેલ સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા. આર્થ્રો વન સ્પેશિયાલિટી કલીનીકના  ઉદ્ઘાટનને લઇ ડો.નીલેશ શાહે જણાવ્યું હતું કે, પાછલા દાયકામાં ગુજરાતમાં રમતગમતનું સ્તર અને ક્રેઝ નોંધનીય હદે વધ્યા છે અને તે સંજોગોમાં રમતવીરો -સ્પોર્ટસમેનને સ્પોર્ટસ ઇન્જરી પણ ચિંતાનો વિષય બની રહ્યો છે

                 ત્યારે આ આર્થ્રો વન સ્પેશ્યલ કલીનીક સ્પોર્ટસ ઇન્જરીની સારવાર માટે બહુ કારગત અને આશીર્વાદ સમાન સાબિત થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  રાજ્યમાં ઓર્થોપેડિક આર્થ્રોસ્કોપી એક નવા સ્તરે પહોંચી ગઈ છે. રમતવીરો અને ખેલાડીને સર્વસામાન્ય રીતે થતી ઇજાઓના અસરકારક વ્યવસ્થાપન માટે અત્યાધુનિક ઉપકરણોથી તથા શક્ય એટલા ઓછાં વાઢકાપની સાથે રમતગમત સંબંધિત અને ખેલાડીઓને થતી વિવિધ પ્રકારની ઇજાઓનો સર્વસામાવેશી ઇલાજ કરવા માટે તમામ પ્રકારની સુવિધાઓથી આ સેન્ટર સજ્જ છે. સ્પોર્ટ્સ મેડિસિન એ એક નિવારક વિજ્ઞાન છે, જે રમતગમત સંબંધિત ઇજાઓના નિવારણ અને ઇલાજ માટે શક્ય એટલી ઓછી વાઢકાપ કરનારી ઉપચાર પદ્ધતિનો ઉપયોગ કરે છે. મોટાભાગના કિસ્સાઓમાં ઇજાઓનું નિવારણ નોન-સર્જિકલ રીતે કરવામાં આવે છે અને સર્જરીને તૃતીય સ્તરના ઇલાજ તરીકે પસંદ કરવામાં આવે છે. આર્થ્રો વન ખાતે અમે આર્થ્રોસ્કોપી અને સ્પોર્ટ્સ મેડિસિનમાં નિષ્ણાત ડૉક્ટરોની એક સમર્પિત ટીમ ધરાવીએ છીએ. તેઓ સાંધાની ઇજાના ઇલાજ, ઘૂંટણ, ખભા, કોણી, નિતંબ અને ઘૂંટીના સાંધાઓની જાળવણી અને પુનર્નિર્માણ તથા રમતગમત સંબંધિત પુનર્વસન જેવી બાબતોમાં વ્યાપક અનુભવ ધરાવે છે.

                     રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર યુવાનોને રમતગમતમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી રહી છે અને તે સમગ્ર દેશમાં રમતગમત સંબંધિત આંતરમાળખાંની રચના કરવાની દિશામાં ઝડપથી કામગીરી કરવાનું વલણ ધરાવે છે. ભારતમાં રમતવીરો અને ખેલાડીઓની સંખ્યા સતત વધતી જઈ રહી હોવા છતાં સ્પોર્ટ્સ અને ફિટનેસ મેડિસીનનું ક્ષેત્ર હજુ પણ આપણાં દેશમાં ભાંખોડિયા ભરી રહ્યું છે. યુવાનો સ્પોર્ટ્સ અને એથલેટિક્સને સમર્પિત થઈ શકે તે માટે તેમના માટે તકોમાં સતત વધારો થઈ રહ્યો હોવાની સાથે રમતગમત સંબંધિત ઇજાઓના નિવારણ, ઇલાજ અને પુનર્વસન માટેના એક સમર્પિત સેન્ટરની પણ જરૂરિયાત ઉભી થતાં આ કલીનીકની સ્થાપના કરવામાં આવી છે.

              આર્થ્રો વન ખાતે અમારા નિષ્ણાતોની ટીમનો એકમાત્ર પ્રયાસ રમતવીરોને ઝડપથી સાજા કરવાનો અને તેમને આગળ વધુ ઇજાઓ થતી નિવારવાનો છે, જેથી કરીને તેઓ શક્ય એટલા વહેલાં તેમની રમતગમત સંબંધિત પ્રવૃત્તિઓમાં પાછા ફરી શકે. આ સેન્ટર રમતગમત સંબંધિત પુનર્વસન અને તાલીમ માટેના અત્યાધુનિક ઉપકરણોની સાથે-સાથે અત્યાધુનિક સુવિધાઓ પણ ધરાવે છે, જે રમતવીરોને મસ્ક્યુલોસ્કેલેટલ સિસ્ટમના દુઃખાવા, ઇજા અને માંદગીમાંથી સાજા થવામાં મદદરૂપ થાય છે. ડો.નીલેશ શાહની સાથે આર્થ્રો વનની નિષ્ણાતોની ટીમમાં ડો.સંજય ત્રિવેદી, ડો.કલ્પેશ ત્રિવેદી અને ડો.પ્રવીણ સારદા (જેઓ આર્થ્રોસ્કૉપિક સર્જરીમાં નિષ્ણાત છે)નો તથા રમતગમત સંબંધિત પુનર્વસનના અન્ય નિષ્ણાતોની સાથે ડૉ. પાર્થવ પટેલનો સમાવેશ થાય છે.

(10:13 pm IST)