Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા સરકારનું 'સોળઆની' આયોજનઃ વડતાલમાં તાલીમ

૩૦૦૦ ખેડૂતો માટે કાલથી પ્રશિક્ષણઃ સુભાષ પાલેકરની ઓછા ખર્ચે વધુ ખેત ઉપજની પ્રાકૃતિક પધ્ધતિનો પ્રચારઃ કાલે માસ્ટર ટ્રેનર તાલીમ શુભારંભ પ્રસંગે રાજયપાલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે

નડીયાદ તા. ૪ :.. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની આવક બમણી  કરવા તથા ખેતીમાં રસાયણોના ઓછા ઉપયોગ માટે ખેડૂતોને કરેલ આહવાનને ચારિતાર્થ કરવાના પ્રયાસના ભાગરૂપે રાજયપાલ શ્રીઆચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલના સાનિધ્યમાં પ્રાકૃતિક ખેતી અંગેના શ્રી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિના અભિગમ ઉપર કાલથી તા. પ ડીસે. થી સાત દિવસીય માસ્ટર ટ્રેનર તાલીમ કાર્યશાળાનું હરિકૃષ્ણ મહારાજ યાત્રિક ભુવન, ગોમતી તળાવ સામે, વડતાલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમમાં રાજયભરના ૩૦૦૦ જેટલા તાલીમાર્થી પ્રશિક્ષકોને પ્રાકૃતિક કૃષિની પ્રત્યક્ષ તાલીમ પદ્મશ્રી સુભાષ પાલેકરજી દ્વારા આપવામા આવશે.

રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાનાર આ તાલીમ-કાર્યશાળામાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ, પદ્મ શ્રી સુભાષ પાલેકરજી, મંત્રીશ્રીઓ, સાંસદો, ધારાસભ્યશ્રીઓ, સરકારના કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં સ્થાનીક કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર તેમજ કૃષિ વૈજ્ઞાનિકો, રાજયના કૃષિ અને સહકાર વિભાગના તેમજ ક્ષેત્રીય કૃષિ વિસ્તરણ તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, કૃષિ સંબંધિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને પ્રગતિશીલ ખેડૂતો થઇને આશરે ર૩૭૭૧ જેટલા તાલીમાર્થીઓ તાલીમ લેશે.

સુભાષ પાલેકરજી દ્વારા આ તાલીમમં સાત દિવસ દરમિયાન પ્રાકૃતિક ખેતીને લગતા વિવિધ વિષયો જેવા કે જીવામૃત, બીજામૃત, નીમાસ્ત્ર, બ્રાહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણીઅર્ક અને સપ્તધાન્યાંકુર અર્ક વગેરે  વિષે માહિતી આપવામાં આવશે. વધુમાં 'સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ' એ કૃત્રિમ ખાતરો, જંતુનાશકો વગની અને સ્થાનીક ખેત સામગ્રીથી જ એક દેશી ગાયના  ગૌ-મૂત્ર અને છાણ દ્વારા ૩૦ એકરમાં ગુણવત્તાયુકત ઉત્પાદન નહિવત  ખર્ચે કરવાના સિધ્ધાંત  આધારિત ખેતી છે. આ પધ્ધતિના, જીવામૃત, બીજામૃત, આચ્છદન, વાપશા એમ મુખ્ય ચાર આધારસ્તભો છે. રાજયના ખેડૂતો શ્રી સુભાષ પાલેકરના માર્ગદર્શન હેઠળ આ ખેતી અપનાવતા થાય અને તે અંગેની જીણવટ ભરી તમામ માહિતી પ્રત્યક્ષ પ્રેકટીકલ સાથે મેળવી શકે તે માટે સાત દિવસીય તાલીમ યોજવામાં આવી છે.

(11:50 am IST)