Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

કોંગી ચૂંટણી ઢંઢેરામાં બેરોજગાર યુવાનોને ભથ્થુ આપવા માટે વચન

પાટીદારોને અનામત, ખેડૂતોનું દેવું માફ કરવાનું પણ વચન અપાયું: મહિલાઓને ઘરનું ઘર આપવા માટેનું લોકલક્ષી વચન : પેટ્રોલ-ડીઝલ ઉપર ૧૦ રૂપિયા સુધીનો ઘટાડો કરવાની જાહેરાત : તમામ વર્ગને ખુશ કરવા હેતુ

અમદાવાદ, તા.૪,         ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે માત્ર પાંચ દિવસ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતમાં વસતા તમામ કુંટુંબોની સુખાકારી અને તેમને ખુશહાલ બનાવવાના અનોખા અને નવતર અભિગમ સાથે આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. પ્રજાનું ઘોષણાપત્ર નામથી કોંગ્રેસ દ્વારા જારી કરાયેલા આ ચૂંટણી ઢંઢેરામાં ઘણી ઐતિહાસિક અને મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં સૌથી મહત્વની જાહેરાત એ હતી કે, કોંગ્રેસની સરકાર આવશે તો, કોંગ્રેસ બંધારણની મર્યાદામાં રહીને પાટીદારોને અનામત આપશે, બિનઅનામત સર્વણો માટે ખાસ કમીશનની રચના કરશે. સાથે સાથે યુવાનોને બેરોજગારી ભથ્થું ચૂકવશે અને મહિલાઓને ઘરનું ઘર આપશે. લગભગ ૧૦૦ જેટલા પાનાના ઐતિહાસિક ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે બીજી એક મહત્વની જાહેરાત એ કરી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટાટા નેનોને રૂ.૩૨ હજાર કરોડની જે રકમ આપી હતી, તેટલી જ રકમ એટલે કે, રૂ.૩૨ હજાર કરોડ રૂપિયા કોંગ્રેસ બેરોજગાર યુવાનોને રોજગારી અપાવવવા અને ૧૦૦ ટકા ધિરાણ માટે ફાઉન્ડેશન બનાવશે અને તેમાં ફાળવણી કરશે.         ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, કોંગ્રેસની ચૂંટણી ઢંઢેરા સમિતિના કન્વીનર દિપક બાબરીયા, ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશી, રાષ્ટ્રીય પ્રવકતા મનીષ ખેડા સહિતના અગ્રણીઓની હાજરીમાં આજે કોંગ્રેસનો મહત્વનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને ચૂંટણી ઢંઢેરા સમિતના કન્વીનર દિપક બાબરીયાએ જણાવ્યું હતું કે, ભાજપે તેના ૨૨ વર્ષના શાસનમાં પ્રજાલક્ષી કોઇ કાર્યો કર્યા નથી કે લોકોને કંઇ આપ્યું નથી અને તેથી હવે કોંગ્રેસ લોકોની ખુશહાલી માટે અને ગુજરાતમાં વસતા તમામ કુુટુંબો સાચા અર્થમાં ખુશખુશાલ બને તે હેતુથી કોંગ્રેસ નવસર્જન સાથે સરકાર રચવા મક્કમ બની છે ત્યારે આજે પ્રજાના ખુદના ઘોષણાપત્ર કરવામાં આવે છે, જેમાં ગુજરાતના અને સમાજના તમામ વર્ગો અને સમુદાયને ધ્યાનમાં રાખીને કલ્યાણકારી યોજનાઓ અને નિર્ણયો અમલવારી કરવાનું કોંગ્રેસે નક્કી કર્યું છે. આ માત્ર સત્તા પરિવર્તન કે બદલાવની ચૂંટણી નથી પરંતુ ગુજરાતની જનતાની જીદંગીના પરિવર્તન માટેની ચૂંટણી છે, લોકોનું જીવન ખુશહાલ બને તે માટેની ચૂંટણી છે. ગુજરાતભરમાં કોઇ ભૂખ્યું ના રહે અને માર્ગો પર કોઇ ભિખારી જોવા ના મળે તે પ્રકારની સ્થિતિ ગુજરાતમાં પ્રસ્થાપિત કરવામાં આવશે. જે જીએસટીને લઇ દેશભરમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે ત્યારે કોંગ્રેસની સરકાર નાના વેપારીઓ, દુકાનદારો અને ઉદ્યોગકારોને જીએસટીની ઝંઝાળમાં મુકિત આપશે. કોંગ્રેસના નેતાઓએ બહુ મોટી અને મહત્વની જાહેરાતો કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ ખેડૂતોના દેવા કોંગ્રેસની સરકાર આવશે એટલે માફ કરાશે, સૌથી અગત્યનું કે, ખેડૂતોને વાવેતર પહેલાં જ પોષણક્ષમ જાહેર કરાશે, ખેડૂતોને દિવસ દરમ્યાન ૧૬ કલાક વીજળી પૂરી પાડવામાં આવશે, ખેડૂતોના વીજ કનેકશનને પ્રાધાન્યતા આપવામાં આવશે. ભાજપના રાજમાં સેટેલાઇટથી થયેલી જમીન માપણી રદ કરીને નવેસરથી સર્વે કરીને જૂની પધ્ધતિ મુજબ ન્યાયી જમીન માપણી કરવામાં આવશે. જમીન અધિગ્રહણ અને સરના કાયદાની સમીક્ષા કરી તેમાં ભાજપ સરકાર દ્વારા કરાયેલા વિવાદીત સુધારાઓ રદ કરાશે. ગુજરાતમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા હોઇ બીજી એક મહત્વની જાહેરાત કરતાં કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે, રાજયમાં ૨૫ લાખ બેરોજગાર યુવાનોને રોજગારી અપાશે, જે માટે રૂ.૩૨ હજાર કરોડની જોગવાઇ કરાશે. બેરોજગાર યુવાનોને ચાર હજાર રૂપિયાનું બરોજગારી ભથ્થું ચૂકવવામાં આવશે. સાથે સાથે ફિકસ પગાર અને આઉટસોર્સીંગની જગ્યાઓ પર કાયમી નિમણૂંક કરવામાં આવશે, સરકારમાં જેટલી પણ જગ્યાઓ ખાલી છે, તેમાં ભરતી કરાશે. પોલીસતંત્રમાં ખાલી જગ્યાઓ સત્વરે ભરી દેવાશે અને રાજય પોલીસતંત્રને વધુ સુદ્રઢ બનાવાશે. મહિલાઓ માટે બહુ મહત્વની જાહેરાત કરતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને ચૂંટણી ઢંઢેરા સમિતના કન્વીનર દિપક બાબરીયાએ જણાવ્યું હતું કે, રાજયની મહિલાઓને ઘરનું ઘર આપવામાં આવશે, જેમાં એકલી રહેતી વિધવા, ત્યકતા મહિલાઓને પ્રાધાન્યતા આપવામાં આવશે. વિધવા અને વૃધ્ધોના સન્માનજનક પેન્શનની યોજનાઓ શરૂ કરાશે. કોંગ્રેસ ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને આંબેડકર આવાસા યોજના અમલી બનાવી  ૨૫ લાખ ઇડબલ્યુએસ અને એલઆઇજીના મકાનો નિર્માણ કરશે. રાજયમા કન્યાઓ માટે પ્રાથમિકથી લઇ ઉચ્ચ શિક્ષણ મફત પૂરું પાડવામાં આવશે. રાજયના દરેક જિલ્લામાં સરકારી અંગ્રેજી માધ્યમની શાળા, ધોરણ-૧૦ અને ૧૨ની સાયન્સ સ્કૂલો, કન્યા શાળાઓ અને મેડિકલ કોલેજ સ્થાપવામાં આવશે. રાજયના સર્વશ્રેષ્ઠ રમતવીરોને સરકારી નોકરી અને આંતરરાષ્ટ્રીયકક્ષાએ નામ રોશન કરનાર રમતવીરોને પુરસ્કાર સહિતના અનુદાનની સહાય કરાશે. તો, ગરીબ કામદારોને ડો.બાબાસાહેબ આંબેડકર સામાજિક સુરક્ષા કાર્ડ અપાશે અને તેના મારફતે તેને તમામ સામાજિક લાભો ઉપલબ્ધ બનાવાશે.રાજયમાં વિનામૂલ્યે અને સામાન્ય નાગરિકને પણ પોષાય તેવા દરે સારવાર અને દવા ઉપલબ્ધ થાય તે હેતુથી લોકોને સરદાર પટેલ યુનિવર્સલ હેલ્થ કાર્ડ અપાશે, આ સિવાય રાજીવગાંધી ફાર્મસી સ્થપાશે કે જયાંથી નાગરિકોને પોષાય તેવા ભાવે વાજબી દરની દવાઓ ઉપલબ્ધ બનાવાશે. લોકોની મોંઘવારીની સમસ્યા હલ કરવાના હેતુથી પેટ્રોલ-ડિઝલ પરનો રાજયનો ટેક્સ ઘટાડી પેટ્રોલ-ડિઝલના ભાવોમાં રૂ.૧૦ સુધીનો ઘટાડો કરાશે. રાજયમાં સસ્તા અનાજની દુકાનો પર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પાંચ કિલો ઘઉં, બે કિલો ચોખા, ત્રણ કિલો બાજરી અને એક કિલો મકાઇ અપાશે. તો, મિલકત વેરામાં ૫૦ ટકા સુધીનો ઘટાડો કરાશે, વીજળી દરોમાં પણ ૫૦ ટકા સુધીનો ઘટાડો કરાશે, જે ઘરોમાં ૨૦૦ યુનિટ સુધીની વીજળીનો વપરાશ હશે તેઓની પાસેથી રૂ.બે વસૂલાશે. ગેસના ભાવો નિયંત્રિત કરવા નિયમન પંચની રચના કરવામાં આવશે.

 

(9:07 pm IST)