Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

મધ્‍યપ્રદેશથી ૨૦ લાખના દારૂ સાથે ઘુસી, નાસી છુટવાનો પ્રયાસ કરનાર ટ્રકને અંતે વડોદરાથી ઝડપી લેવાયો

ગાંધીનગરથી સ્‍ટેટ મોનીટરીંગ સેલના પીઆઇ નયન ચૌહાણની ટીમ મધરાત્રે ત્રાટકી : બે શખ્‍સોની ધરપકડઃ સોનુ પઠાણ વિ. આરોપી સામે ફરારી વોરન્‍ટ જાહેર કરાયા

રાજકોટ, તા., ૪: રાજયના નવનિયુકત ઇન્‍ચાર્જ પોલીસ વડા પ્રમોદકુમારના માર્ગદર્શન તથા સ્‍ટેટ મોનીટરીંગ સેલ ગુજરાતના આઇજીપી હસમુખ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક જયોતી પટેલની સુચના અન્‍વયે સ્‍ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્‍સ્‍પેકટર નયન ચૌહાણ ટીમને વધુ એક સફળતા સાંપડી છે.

વડોદરા શહેરી વિસ્‍તારમાં દારૂબંધીના કડક અમલવારી માટે મળેલી ખાસ સુચના આધારે પોલીસ ઇન્‍સ્‍પેકટર નયન ચૌહાણ, પોલીસ કોન્‍સ્‍ટેબલ દિપકકુમાર જબ્‍બરસીંઘ તથા પોલીસમેન રાકેશ લાલજીભાઇને વિદેશી દારૂનો એક ટ્રક વડોદરામાંથી પસાર થઇ નેશનલ હાઇવે  નં. ૪૮ ઉપર આવાનો છે તેવી બાતમીદારો તરફથી માહીતી મળતા જ રાત્રીના અઢી વાગ્‍યે સ્‍ટેટ મોનીટરીંગ સેલની ટીમ ગોલ્‍ડન ચોકડી પાસે વચમાં ગોઠવાઇ હતી.

આ દરમિયાન જે ટ્રકની માહીતી મળી હતી તે નંબરવાળો ટ્રક પસાર થતા પોલીસે ટ્રકને ઉભો રાખવા સુચના આપવા છતાં એ  ટ્રક ઉભો રહેવાને બદલે સ્‍પીડથી નાસી છુટતા સ્‍ટેટ મોનીટરીંગ સેલના પીઆઇ નયન ચૌહાણ ટીમે ટ્રકનો પીછો કરી પોલીસની ગાડી ટ્રકની આડી નાખી ટ્રકને ઉભો રાખવા ફરજ પાડેલ. આ દરમિયાન અંધારાનો લાભ લઇ એક શખ્‍સ નાસી છુટેલ. જેને પકડવા પ્રયાસ કરેલ. પરંતુ તે પકડી શકાયેલ નહી.

ટ્રકની તલાશી દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્‍થો મળી આવેલ. જે સંદર્ભે ટ્રકના ડ્રાઇવર રાજસ્‍થાન (ઉદેપુર) રિયાકતઅલી તથા કલીનર અજીમભાઇ સલીમભાઇ પઠાણ રાજસ્‍થાન (ડુંગરપુર)ના અટક કરી વિદેશી દારૂનો ર૦ લાખનો જથ્‍થો બોટલ નંગ ૧ર૮૬૯ તથા અન્‍ય મુદામાલ મળી ૬૪,૮૭,૩૭૦ માલસામાન કબ્‍જે કરેલ.

પકડાયેલા બંન્ને ઇસમોની પુછપરછ દરમિયાન દારૂ ભરેલ ટ્રક તેઓને ચોક્કસ મોબાઇલ નં. આધારે રતલામ બાયપાસ પાસેથી મુદામાલ મેળવી ગુજરાતમાં વડોદરા પસાર કરી વાસદ ચોકડી પાસે ટ્રક ઉભો રાખવાની સુચના આપવામાં આવેલ. પોલીસે મોબાઇલ નંબર આધારે નાસી છુટનાર શખ્‍સો તથા માલ મોકલનાર શખ્‍સ માટે રાજસ્‍થાન પોલીસને જાણ કરવા સાથે વિશેષ તપાસ હાથ ધરી છે.

 

(4:39 pm IST)