Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

અમદાવાદમાં 82 વર્ષના વૃદ્ધ સાથે 5 લાખની છેતરપિંડીઃ લોકપાલ અધિકારી તરીકેની ઓળખ આપીને કારસ્‍તાન

અમદાવાદ: એલિસબ્રિજમાં રહેતાં 82 વર્ષના વૃદ્ધ સાથે ગઠિયાઓએ લોકપાલ અધિકારી તરીકે વાત કરી વિશ્વાસ કેળવ્યો હતો. વૃદ્ધને બંધ થયેલી પોલિસીના નાણાં, બોનસ અપાવવાનું કહી વિવિધ ચાર્જ પેટે બેંક ખાતામાં રૂ.5,29,068ની રકમ ભરાવી હતી. પોતાની સાથે ઠગાઈ થઈ રહ્યાનું જાણી ગયેલા વૃદ્ધે પૈસા ભરવાનો ઇનકાર કરતા આરોપીઓએ સીબીઆઈ, પોલીસ અને ગવર્નર ઓફ ગુજરાતમાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી. સાયબર સેલની ટીમે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

એલિસબ્રિજ વિસ્તાર સ્થિત ગુજરાત કોલેજ નજીક પ્રિતમનગર સોસાયટીમાં રહેતાં અને હાલ નિવૃત જીવન વિતાવતા ધીરજભાઈ મંગળભાઈ પટેલ અગાઉ ડિપ્લોમા સિવિલ એન્જિનિયર તરીકે જમીન ડેવલોપમેન્ટનું કામ કરતા હતા.

2012-13માં ધીરજભાઈએ રિલાયન્સ લાઈફ ઇન્સ્યોરન્સ અને HDFC લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી વન ટાઈમ પ્રીમિયમથી લીધી હતી. જોકે પોલિસીના ડોક્યુમેન્ટ મળ્યા તેમાં દરવર્ષે પ્રીમિયમ ભરવાનું હોવાથી તેઓએ પૈસા ભર્યા ન હતા.

જાન્યુઆરી,2019માં ધીરજભાઈ પર અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો.આ વ્યક્તિએ પોતે લોકપાલ ડિપાર્ટમેન્ટના અધિકારી આકાશ ચોપરા તરીકે ઓળખ આપી હતી. આકાશે વીમા પોલિસીની તકલીફ અંગે પૂછ્યું હતું. આથી ધીરજભાઈએ એજન્ટે તેઓને વન ટાઈમ પ્રીમિયમ ભરવાનું કહી બે પોલિસી આપી પણ જેમાં દરવર્ષે પ્રીમિયમ ભરવાનું હોવાથી તેઓએ બીજા પ્રીમિયમ ન ભર્યાનું જણાવ્યું હતું.

આકાશે આ વીમાના પ્રોફિટ અને બોનસના રૂ.30 લાખ અપાવવાની લાલચ ધીરજભાઈને આપી હતી. જે બાદમાં જુદા-જુદા ચાર્જ પેટે ધીરજભાઈ પાસે રામપ્રસાદ રેગર રામકરણ રેગરના પંજાબ બેંકના ખાતામાં રૂ.5,29,062ની રકમ ભરાવી હતી. તે પછી બનાવટી લોકપાલ અધિકારી બનેલા આકાશ ચોપરા, થોમસ થ્રેગર અને સંજીવ કપૂરે વધુ પૈસા ભરવાની ધીરજભાઈને વાત કરી હતી. ધીરજભાઈએ પૈસા ભરવાની ના પાડતા આરોપીઓએ CBI, પોલીસ અને ગવર્નર ઓફ ગુજરાતને ફરિયાદ કરવાની ધમકી ધીરજભાઈને આપી હતી.

ધીરજભાઈએ આ અંગે દીકરી કાનન અને જમાઈ નકુલ પટેલને વાત કરતા બન્નેએ તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે, આ રીતે ટોળકી અન્ય લોકો સાથે પણ ઠગાઈ આચરે છે. આ બનાવ અંગે ધીરજભાઈએ અમદાવાદ સાયબર સેલ ક્રાઇમબ્રાન્ચમાં સોમવારે ફરિયાદ નોંધાવી હતી.

(5:23 pm IST)