Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

સરખેજ : રિસેપ્શનમાં સ્ટેજ ઉપરથી ચાર રાઉન્ડ ફાયરિંગ

ફાયરિંગનો વિડિયો વાયરલ થતાં તપાસ શરૂ થઇ : વિડિયોમાં વરરાજા સ્ટેજ ઉપર ડાન્સ કરી રહ્યા હતા ત્યારે યુવકે સ્ટેજથી હવામાં ચાર રાઉન્ડ ફાયરીંગ કરતા ચકચાર

અમદાવાદ, તા. ૪ : શહેરના સરખેજ વિસ્તારમાં એક મેરેજ રિસેપ્શન દરમ્યાન સ્ટેજ પરથી જ એક યુવક ચાર દ્વારા રિવોલ્વરમાંથી હવામાં ચાર રાઉન્ડ ફાયરીંગ કરાયો હોવાનો વીડિયો વાયરલ થતાં ભારે ચકચાર મચી ગઇ છે. ફાયરીંગનો આ વીડિયો સરખેજ - ફતેવાડી વિસ્તારના એક પાર્ટી પ્લોટનો હોવાની શંકા સેવાઇ રહી છે. જેના આધારે સરખેજ પોલીસે હવે પાર્ટી પ્લોટ ઉપર તપાસ શરૂ કરી છે. છેલ્લા એક અઠવાડિયામાં આ પાર્ટી પ્લોટમાં યોજાયેલા લગ્ન સમારોહેના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવા તેમજ જે પણ લોકોએ પાર્ટી પ્લોટ બુક કરાવ્યો હતો તેમની યાદી મેળવી તે દિશામાં તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. નોંધનીય વાત તો એ છે કે, વરરાજા સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા હતા તે સમયે સ્ટેજની નીચે ઊભેલા એક વ્યક્તિએ રિવોલ્વર કે પિસ્ટલમાંથી હવામાં એક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.

                    તેની થોડીવાર પછી બીજો યુવાન સ્ટેજ ઉપર આવીને રિવોલ્વર - પિસ્ટલમાંથી હવામાં વધુ ચાર રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ સમયે સ્ટેજની નીચે ઘણી બધી મહિલાઓ પણ હાજર હતી અને તે મહિલાઓ પણ ડાન્સ કરી રહી હતી. વીડિયો વાયરલ બનતાં ભારે ચકચાર મચી ગઇ છે. વાયરલ વીડિયોને લઇ સરખેજ પોલીસ પણ હરકતમાં આવી હતી અને જે પાર્ટી પ્લોટમાં આ ઘટના ઘટી હોવાની વાત સામે આવી છે, તેની તપાસ આરંભાઇ છે. દરમ્યાન સરખેજ પીઆઈ બી.બી.ગોયલે જણાવ્યું કે, જે પાર્ટી પ્લોટનો આ વીડિયો હોવાની ચર્ચા છે. તે પાર્ટી પ્લોટ ઉપર અમે તપાસ કરાવી છે. ફાયરિંગની ઘટના આ જ પાર્ટી પ્લોટમાં બની હોવાની સ્પષ્ટ થશે તો ફાયરિંગ કરનારા સામે ગુનો નોંધવામાં આવશે.

(7:55 pm IST)